કેરી પાક બચાવવા:આંબાની ખેતી કરતાં ખેડૂતોએ રોગ જીવાત અટકાવવા માટે આટલુ કરો
- Uncategorized
- February 27, 2024
- No Comment
નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત વગેરે જીલ્લાનાં આંબાની ખેતી કરતાં ખેડૂતોને જણાવાવાનું કે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહયો છે અને વાદળછાયુ વાતાવરણની સાથે સાથે બપોરે ગરમીનો અનુભવ પણ થાય છે. આ સંજોગોમાં આંબાની ખેતી કરતા ખેડૂતોને કેરીના પાકમાં રોગ જીવાત આવવાની શક્યતાને નકારી શકાય તેમ નથી જેના પગલે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની પણ શક્યતાઓ રહેલી છે.

આ વાદળછાયા વાતાવરણમાં કેરીના પાકમાં ભૂકીછારો અને મધીયો આવવાની શકયતા છે. માટે ખેડૂતોને મધીયાના નિયંત્રણ માટે ઈમીડા-૪ મી.લી. અથવા થાયોમીથોક્સમ ૩ ગ્રામ અથવા બીટા સાયફ્લુથ્રીન+ ઈમીડાકલોપ્રીડ ૫ મી.લી. અથવા બ્યુપ્રોફેનઝીન ૨૦ મી.લી દવાનો ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાની ભલામણ છે. જયારે ભુકી છારાના નિયંત્રણ માટે હેકમાકોનેઝોલ ૧૦ મી.લી. અથવા પ્રોપીકોનાઝોલ- ૧૦ મીલી ૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. વધુમાં ખેડૂતોને જણાવવાનું કે ફુલ આવી ગયા હોય અને કળી બેસવાની શરૂઆત થઈ ગઈ હોય તો એક હળવું પિયત દવાના છંટકાવ બાદ તુરંત આપી દેવુ. જરૂર જણાયતો બીજો દવાનો છંટકાવ ૧૦ દિન બાદ કરી શકાય.

જે ખેડૂતોને આંબાના પાકમાં કણી બેસી ગઈ હોય અને વટાણા જેવી કેરી થઈ ગઈ હોય તો NAA (નેપ્થેલીક એસીટીક એસિડ) ૪ ગ્રામ પાવડર ૨૦૦ લીટર પાણીમાં અથવા પ્લાનોફિકસ ૯૦ મી.લી. ૨૦૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી કેરીનું ખરણ અટકાવી શકાય છે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, જૂની જિલ્લા તિજોરી કચેરીની બાજુમાં, પોલીસ ગેટ, મોટા બજાર, નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૮૧૮૫૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.
