
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪: ભારતના ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ નિવારણ માટે cVIGIL એપ્લિકેશન બનાવવામાં આવી
- Uncategorized
- March 24, 2024
- No Comment
cVIGIL એપ્લિકેશન મારફત મળેલી ફરિયાદનું માત્ર ૧૦૦ મીનિટ માં નિવારણ કરવામાં આવશે
લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાકક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લાના નાગરિકો માટે ટોલ ફ્રી નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં નવસારી જિલ્લાના નાગરિકો જિલ્લા કન્ટ્રોલ નંબર ૦૨૬૩૭ ૨૬૦૫૦૦ , ટોલ ફ્રી નંબર 1800-233- 2627 તેમજ વોટર હેલ્પલાઈન હેલ્પલાઇન-૧૯૫૦ પર સંપર્ક સાધી શકાય છે.
લોકસભા સામાન્ય ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે યોજાય તેના માટે ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ નિવારણ માટે સી વિજીલ (CVIGIL App) પણ બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી સામાન્ય નાગરિકો પણ ચૂંટણી આયોગની મદદ મેળવી શકે છે. આ એપ્લિકેશનને નાગરિકો પોતાના સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરી ચૂંટણી આચારસંહિતાના ભંગને લગતી કોઇપણ ગતિવિધિઓનો વિડીયો અથવા ફોટો આયોગને મોકલી શકે છે.
cVIGIL App ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તો તમારે તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે. આ એપ એંડ્રોઇડ અને આઇઓએસ ફોન પર ઉપલબ્ધ છે. ચૂંટણી દરમિયાન ક્યારેય પણ આચાર સંહિતાનું ઉલ્લંઘન અથવા મતદાનને પ્રભાવિત કરવા જેવી ગતિવિધિઓ થઇ રહી છે તો નાગરિકો તેને એપના માધ્યમથી વીડિયો ફોટો રેકોર્ડ કરી એપ પર અપલોડ કરી શકે છે. ખાસ વાત એ છે કે મોબાઇલમાં પહેલાંથી રેકોર્ડ કરેલું કન્ટેંન્ટ અપલોડ કરી શકાશે નહીં. આ એપથી જ રેકોર્ડિંગ કરવાનું રહેશે.
ફરિયાદીનું નામ ગોપનીય રાખવામાં આવશે
આ એપ્લિકેશન મારફત ફરિયાદ કરનાર નાગરિકોનું નામ અને સરનામું સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. ચૂંટણી આયોગે ફરિયાદીની સુરક્ષાને લઈને આ નિર્ણય લીધો છે. ફરિયાદી વિશેની વિગતો જાહેર થાય તો સંબંધિત અધિકારી-કર્મચારી સામે કાર્યવાહી કરવા અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે.
ચૂંટણી પંચે દ્વારા નક્કી કરાયેલી સમય મર્યાદા મુજબ સી-વિજીલમાં જે પણ ફરિયાદ મળશે તેને જિલ્લા કક્ષાએ કાર્યરત કંટ્રોલ રૂમને મોકલવામાં આવશે. ત્યાંથી સંબંધિત ટીમને ફરિયાદ કરવામાં આવશે, પછી તે સંદર્ભે જરૂરી કાર્યવાહી કરી યોગ્ય જવાબ એપ્લિકેશનમાં અપલોડ કરી ફરિયાદનું નિવારણ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહી રિટર્નિંગ ઓફિસરના માધ્યમથી ૧૦૦ મિનિટમાં કરવામાં આવશે.
નવસારી જિલ્લાના નાગરિકો લોકસભા ચૂંટણી-૨૦૨૪ને લઈને ચૂંટણી કમિશનની આ એપ્લિકેશન cVIGIL App નો ઉપયોગ કરી શકે છે. જેમાં રાજકીય પક્ષોના પ્રચારને લગતી કોઈપણ ફરિયાદ સીધી આયોગ સુધી પહોંચી જશે અને જિલ્લા ચૂંટણીતંત્ર પંચની આ માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરશે. લોકો આ એપને પોતાના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી મહત્તમ ઉપયોગ કરી શકે છે. આ એપ્લિકેશન જિલ્લામાં મહત્તમ નાગરિકો ડાઉનલોડ કરે તેવી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ચૂંટણીલક્ષી ફરિયાદો માટે જિલ્લામાં કાર્યરત ૨૪ કલાક રાઉન્ડ-ધી-કલોક સતત કાર્યરત રહેનારા કંટ્રોલ રૂમમાં નાગરિકો દ્વારા મતદાર યાદીને લગતી પુછપરછ તેમજ ચૂંટણીલક્ષી કે આચારસંહિતાને લગતી ફરિયાદ કરી શકાશે તેમજ તેના આધારે નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.