
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪:નવસારી જિલ્લાના વિશ્રામગૃહ/ડાકબંગલા,સરકારી રહેણાંકનો વપરાશ કરવા પર પ્રતિબંધ
- Local News
- March 27, 2024
- No Comment
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ નવસારી જિલ્લામાં તાત્કાલિક અસરથી અગામી તા.૦૪/૦૬/૨૦૨૪ સુધી જિલ્લાના વિશ્રામગૃહ, ડાક બંગલા, સરકારી રહેણાંકના ઉપયોગ અંગે પ્રતિબંધ અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.
જે અનુસાર કોઇપણ પક્ષ કે પક્ષના સભ્યો કે ઉમેદવારો એકહથ્થુ અધિકારો ભોગવશે નહી અને આવા રહેણાંકનો ઉપયોગ બીજા પક્ષના સભ્યો કે ઉમેદવારોને પણ કરવા દેશે. કોઇપણ પક્ષ કે ઉમેદવારો આવા રહેણાંક નો ઉપયોગ પ્રચાર કચેરી કે અન્ય ચુંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહી.સરકારી વિશ્રામગૃહ, અતિથિગૃહ વિગેરેમાં રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગો પણ યોજી શકશે નહી. ચુંટણી પ્રચારમાં આવેલ જે મહાનુભાવોને સરકારી વિશ્રામ ગૃહ- અતિથિગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવ્યા હોય તે મહાનુભાવોને લાવતા-લઇ જતાં વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેના કંપાઉન્ડમાં રાખી શકાશે.
જો તેઓના માટે એક કરતાં વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધારે વાહનોને વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેના કંપાઉન્ડમાં રાખી શકાશે નહી. એક જ વ્યકિતને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહી તેમજ ચુંટણી પ્રચાર માટે આવતા કોઇપણ મહાનુભાવો મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમનો ઉપયોગ કરી શકાશે નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.