
રોટરી ક્લબ દ્વારા નવસારી બી.આર.ફાર્મ ખાતે એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું
- Local News
- April 10, 2024
- No Comment
નવસારી શહેર ખાતે આવેલ બી .આર.ફાર્મ નવસારી ખાતે આગામી ૧૩ એપ્રિલ શનિવાર અને ૧૪ એપ્રિલ રવિવારના રોજ સવારે ૯ થી ૬ દરમ્યાન, રોટરી ક્લબ ઓફ ગણદેવી ચેરીટેબલ ટ્રસ્ટ, રોટરી ક્લબ ગણદેવી અને તન્મય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી માર્ગદર્શન અને માહિતી માટે ખૂબ ઉપયોગી એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
બાળકો અને વાલીઓ સાથે આ ફેરની મુલાકાત લઈને આ તમામ માહિતી વિના મૂલ્યે મેળવી શકે છે. સાયન્સ ઉપરાંત કોમર્સ અને આર્ટસ એમ તમામ પ્રવાહોના હાઇસ્કૂલના બાળકોને બારમા ધોરણ પછી ઉચ્ચ અભ્યાસ માટે ઉપલબ્ધ અનેક યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ડાયરેક્ટર અને પ્રતિનિધિ અત્રે ઉપસ્થિત રહીને મુલાકાતી બાળકોને વિવિધ સુવિધાઓ, ફેકલ્ટી, અભ્યાસક્રમ, ફીનું માળખું અને ભાવિ તકો વિશે જરૂરી માહિતી પૂરી પાડશે. એક જ જગ્યાએ એકસાથે આટલી શૈક્ષણિક સંસ્થાઓ વિશે માહિતી મળી રહેવાની હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓનો સમય, શક્તિ અને નાણાંનો બચાવ કરી શકાશે.
આ ફેરમાં પારુલ યુનિવર્સિટી વડોદરા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી, એમ.આઈ.ટી. પૂને, ફોરેન્સિક યુનિવર્સિટી ગાંધીનગર, કૃષિ યુનિવર્સિટી, પી.પી. સવાણી યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી રાજકોટ, આર.એન.જી.પટેલ કોલેજ બારડોલી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, વિદ્યાદીપ યુનિવર્સિટી, તથ્ય ફાર્મસી કોલેજ ચીખલી વગેરે રાજ્ય અને રાજ્ય બહારની પ્રતિષ્ઠિત સંસ્થાઓના સ્ટોલની ગોઠવણ કરીને સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિદેશ અભ્યાસ માટેની તકો, એજ્યુકેશન લોન માટેની વ્યવસ્થા વગેરે માટે પણ સ્ટોલની ગોઠવણ કરેલ છે.
આ સુંદર આયોજનનો લાભ સમગ્ર નવસારી જિલ્લાના બાળકો મેળવે એવી અપીલ પ્રોજેક્ટના ચેરમેન સંદીપ નાયક તથા ગણદેવી ક્લબ પ્રમુખ કિંજલ નાયક, નવસારી ક્લબ પ્રમુખ પિંકલબા દેસાઈ તથા કાઉન્સેલર દીપેશ શાહ દ્વારા કરવામાં આવે છે. મુલાકાતી બાળકો સ્થળ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.જેના માટે કોઈ પણ ફી રાખવામાં આવેલ નથી.વધુ માહિતી માટે પ્રોજેક્ટ ચેરમેનનો મોબાઈલ નંબર ૯૮૨૫૫ ૦૯૯૪૫ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.