
નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ચોથી વખત પૂરના પાણી ઓસર્યા બાદ વિવિધ શેરી, રોડ રસ્તા,ગટર સફાઈ સહિત દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં
- Local News
- September 4, 2024
- No Comment
નવસારી વિજલપોર નગરપાલિકામાં પૂર્ણા નદીમાં જળસ્તર ભયજનક વટાવી પૂરના પાણી ચોથી વખત શહેરી વિસ્તાર પ્રવેશ્યા તેમજ વરસાદના વિરામ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો નિકાલ થાય તે માટે રોડ રસ્તા ગળનાળા સહિતના વિસ્તારોમાં યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. લોકોના આરોગ્ય માટે શેરીઓ તેમજ રસ્તાઓ પર સાફ-સફાઈ અને દવા છંટકાવ સહિતની કામગીરી પર વહીવટીતંત્ર દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આજે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે નગરપાલિકા અને આરોગ્ય વિભાગની વિવિધ ટીમોની રચના કરી સાફસફાઇ અને દવા છંટાકાવ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા રોડ રસ્તાઓ પર ફેલાયેલા ગંદકીના પડ દૂર કરી રસ્તાને ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત આરોગ્યની ટીમ દ્વારા રસ્તા પર દવા છંટકાવ તેમજ ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ટીમ દ્વારા વધુ અસરગ્રસ્ત વિસ્તારોને પ્રાથમિકતા આપી કામગીરી કરવામાં આવી રહી છે. શક્ય હોય તેટલી ઝડપે તમામ વિસ્તારોમાં સાફ-સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અત્રે નોંધનિય છે કે, શાહ ડેરી થી તાસ્કદ નગર સંપૂર્ણ વિસ્તાર, લીમડા ચોકથી તાસ્કાર નગર, દાબુના ટેકરા થી શાંતાદેવી રોડ, શાંતાદેવી-રૂબી કોમ્પલેક્ષ વાળો ભાગ, સાકળ ચંદ, જન કલ્યાણ-રામ ૯ નગર, દિવ્ય વસુંઘરા,કિનારા એપાર્ટમેન્ટ, રોડ, ઠકકરબાપા વાસ, રીંગ રોડ વિરાવળ થી રંગૂન નગર, હિદાયત નગર, ગધેવાન, જૂનાથાના ખાડા વિસ્તાર, દશેરા ટેકરી, બાલાપીર દરગાહ, રેલ રાહત કોલોની, ભેસતખાડા સંપૂર્ણ વિસ્તાર શહેરના તમામ મુખ્ય માર્ગો ઓપન સ્પોટ સફાઈ, કાછિયાવાડી, દેસાઇવાડ,તાસ્કદ નગર, શાંતાદેવી ચોક થી નવા આવાસ સહિત વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવ અને સાફસફાઇની કામગીરી હાથ ધરાઇ છે.
આ કામગીરીમાં દરબાર વેસ્ટ કોર્પોરેશન (એજન્સી), રામ લક્ષમ્ગ્ર કોન્ટ્રાકટર (એજન્સી), વિજલપોર વિભાગ, અન્ય આઉટ સોર્સ, નગરપાલિકા આરોગ્ય શાખા, નગરપાલિકા માયનોર શાખા અને મેલેરિયા વિભાગ દ્વારા નવસારી જિલ્લા તંત્રના સંકલનમાં રહી કામગીરી કરવામાં આવી છે. જેમાં ૨૯૩ કર્મચારીઓ, ૦૫ જેસીબી દ્વારા સાફસફાઇ કરી ૧૬૮૫ કિલો જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.