આલીપોર હાઈસ્કૂલના આચાર્ય સફી મોહમ્મદ વ્હોરાને સારસ્વત સન્માન એનાયત કરાયો
- Local News
- September 16, 2024
- No Comment
કે. એન્ડ બી. સાર્વજનિક હાઇસ્કૂલ આલીપોરના આચાર્ય સફી મોહમ્મદ વ્હોરાને સારસ્વત સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ઉમરગામ લઈ નડિયાદ તેમજ સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોની 105 કલ્બોના બનેલા રોટરી ડીસ્ટ્રીક્ટ 3060ના ઉપક્રમે 180 એન્ટ્રી માંથી એમની પસંદગી કરવામાં આવી હતી. સફી મોહમ્મદ વ્હોરા કે.એન્ડ .બી સાર્વજનિક હાઈસ્કૂલમાં 1994 થી સામાજિક વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાયા હતા.2019 સુધી શિક્ષક તરીકે કાર્યરત રહ્યા તથા આજ શાળામાં 2019થી આચાર્ય તરીકે કાર્યરત છે .એમનાં માનવતાવાદી અભિગમ,વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સતત ચિંતનશીલ વ્યક્તિત્વના કારણે શાળા પરિવારના,વાલીઓમાં આગવી ઓળખ બનાવી છે.
1994 થી લઈ આજ પર્યંત શ્રેષ્ઠ શિક્ષક અને આચાર્ય બની વિદ્યાર્થીઓમાં તેમજ શાળામાં જરૂરી પરિવર્તન લાવી ઉચ્ચ શિક્ષણ સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ આગવી ઓળખ અપાવી રહ્યા છે. તેમણે સામાજિક વિજ્ઞાનના રિસોર્સ પર્સન ,કે.આર.પી , કી રિસોર્સ પર્સન રહી સેવા આપી છે. બાયસેગ કાર્યક્રમમા ધોરણ 9 અને 10 ના વિષયાંગને તજજ્ઞ તરીકે ટી.વી.પર પ્રકાશિત કર્યા છે. સામાજિક વિજ્ઞાન વિષયના ગુજરાત રાજ્ય બોર્ડના ધોરણ 10ના પેપર સેટર તરીકે ,પેપર સમીક્ષક તરીકે અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન પુસ્તક સમીક્ષક તરીકે સેવા આપી છે.

‘સફી વ્હોરા’ યુટ્યુબ ચેનલ ઉપર એમના એઇડ્સ અવરનેસ તજજ્ઞ તરીકે,મોટીવેશનલ સ્પીકર તરીકે, પરિણામ સુધારણા સેમિનારના અનેક શૈક્ષણિક કાર્યક્રમો ઉપલબ્ધ છે. 2019થી આચાર્ય તરીકે એમણે શાળામાં અટલ ટીકરીંગ લેબ પ્રારંભ કરી છે. જે દ્વારા એમના માર્ગદર્શન હેઠળ અટલ લેબ પ્રોજેક્ટ નેશનલ થર્ટી માં પસંદગી પામ્યા, નેશનલ લેવલે 10000 માંથી 200 ને 300 માં આલીપોર હાઈસ્કૂલની પસંદગી કરવામાં આવી છે.જે એક આચાર્ય માટે ગૌરવપ્રદ બાબત હતી. વિદ્યાર્થી કેન્દ્રી કરેલા અનેક કાર્યો દરમિયાન તેમણે ઇનોવેશન ફેરમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં રસોત્પત્તિ વિષય ઉપર રજૂઆત કરી હતી .
એક લેખક તરીકે પણ એમની ખ્યાતિ અજોડ છે.ન્યુઝપેપરમાં ,સામાયિકોમાં 70 કરતા વધુ આર્ટીકલ પ્રસિદ્ધ થયા છે.હાલ એમના લેખન ક્ષેત્રે થયેલ પ્રદાન ઉપર એક પુસ્તક પણ તૈયાર કરી રહ્યા છે. એમણે અનેક શૈક્ષણિક પ્રવાસો કર્યા છે જેમાં ભાવનગર થી કન્યાકુમારીનો 2900કીમીનો સાયકલ પ્રવાસ 1992માં પૂર્ણ કરવા બદલ સન્માન એવોર્ડ તેમજ લાયન્સ ક્લબ નવસારી દ્વારા બેસ્ટ શિક્ષક એવોર્ડ અને કલાશિક્ષક સંઘ નવસારી દ્વારા બાયસેગ તજજ્ઞ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.
સમાજીક સેવા ક્ષેત્રે પણ એમનું યોગદાન નોંધનીય છે.જરૂરિયાતમંદ ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બને છે.આમ એમની વૈવિધ્ય સભર યશકલગીમાં એક પીંછુ રૂપ સારસ્વત સન્માન એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સલીમભાઈ પટેલે એમને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, શાળા વિકાસ માટે આપના પરિવર્તનશીલ કાર્યો માટે ટ્રસ્ટી મંડળ અને સમગ્ર આલીપોર પંથક આપનું આભારી છે.આપ મુસ્લિમ સમાજના નહીં પણ શિક્ષણ જગત માટે પ્રેરણા સ્ત્રોત છો.આ ગૌરવપ્રદ સમાચાર સાંભળતા જ સમગ્ર આલીપોર હાઇસ્કુલ શાળા પરિવારે અભિનંદનની વર્ષા કરી હદ્યસ્થ લાગણી વ્યક્ત કરી હતી.