
ચીખલી તાલુકાના દેગામ ખાતે “માતૃવન” વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,દેગામ ખાતે ૩૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે
- Local News
- September 27, 2024
- No Comment
ચીખલી તાલુકાના દેગામ ખાતે સામાજીક વનીકરણ વિભાગ નવસારી દ્વારા “માતૃવન” વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
વન અને પર્યવરણ મંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘એક પેડ માં કે નામ’ પર્યાવરણલક્ષી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મા નું ઋણ આપણે કયારેય ચૂકવી શકતા નથી ત્યારે આપણા ઘર આંગણે પોતાની માતા ના નામે એક વૃક્ષ વાવવું જોઈએ. દિકરીનો જન્મ થાય તો એક વૃક્ષ વાવીને જતન કરવા જણાવ્યું હતું. વધુમાં વધું વૃક્ષો વાવી પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવું એ આપણી સૌની જવાબદારી બને છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી એક પેડ મા કે નામ અભિયાન તાપી જિલ્લામાં ૯૦૦૦ જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાબરકાંઠાના ઇડર ખાતે ૧૨૦૦૦ વૃક્ષોનું વાવેતર, પંચમહાલ ખાતે ૧૩૫૫૧ વૃક્ષોનું વાવેતર, સુરત જિલ્લાના માંડવી ખાતે ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જયારે આજે દેગામ ખાતે ૩૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે આવનારી પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરું પાડવા માટે તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવા માટે સૌએ પર્યાવરણ જતનનો અભિગમ અપનાવવો જોઈએ.
કાર્યક્રમના પ્રારંભમાં નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઇએ મહેમાનોને આવકારી એક પેડ મા કે નામ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઇ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતાં.
આ પ્રસંગે સુરતના મુખ્ય વન સંરક્ષક ડો. શશિકુમાર, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વી.ડી.ઝાલા, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઇ પટેલ, ગ્રામજનો, કોલેજના વિદ્યાર્થીઓ તથા પર્યાવરણ પ્રેમી ઉપસ્થિત રહયા હતાં.