
સ્વચ્છમેવ જયતે : ‘સ્વચ્છ ભારત દિવસ’ની જિલ્લા કક્ષાની જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ
- Local News
- October 3, 2024
- No Comment
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી નવસારી-વિજલપોર નગરપાલિકાને રૂ. ૩૨૧ કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી
નવસારી શહેરના જુનાથાણા વિસ્તારમાં સમસ્ત મતિયા પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટની વાડી ખાતે આજે સ્વચ્છ ભારત દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી માટે સમારોહ યોજાયો હતો. નવસારીના જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મીનલ દેસાઈએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી રિમોટનું બટન દબાવીને નવસારી વિજલપોર નગરપાલિકાને રૂ. ૩૨૦.૭૯ કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં અમૃત યોજના હેઠળ પાણી પુરવઠા યોજનાના રૂ. ૧૩૭.૮૫ કરોડના કાર્યો અને ભૂગર્ભ ગટર યોજનાના રૂ. ૧૨૭.૧૪ કરોડના કાર્યોના ખાતમુહૂર્ત તેમજ રૂ. ૫૯.૭૬ કરોડના ખર્ચે નવનિર્મિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના લોકાર્પણનો સમાવેશ થાય છે.
જુનાથાણા ખાતે યોજાયેલા સમારોહમાં સ્વચ્છ ભારત મિશન યાત્રાના ૧૦ વર્ષ પૂર્ણ થવા બદલ ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવીને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દેસાઈએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્વચ્છતા તો ગુજરાતીઓના આદતમાં છે, તેમ કહીને તેમણે સ્વચ્છતાગ્રાહી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને સ્વચ્છ બનતા જોયું હોવાનું જણાવ્યું હતું. સ્વચ્છતા અભિયાન હવે જનભાગીદારીથી આગળ વધીને જનઆંદોલન બની ચૂક્યું છે, તેમ જણાવી જિલ્લા પંચાયત પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ અભિયાન કોઈ સમયમર્યાદા માટે બંધાયેલું નથી. આ અભિયાન દરેક ક્ષણે અને દરરોજ ઉપાડવાનું છે. સ્વચ્છતાના અભિયાનને અનંત ગણાવી તેમણે સૌને સ્વચ્છતા થકી પર્યાવરણનું રક્ષણ કરવા માટે આહવાન કર્યું હતું.
વિકસિત ભારતનો રસ્તો વાયા સ્વચ્છ ભારત થકીનો છે, તેમ મક્કમતાથી જણાવી પરેશભાઈ દેસાઈએ સ્વચ્છ ભારત મિશનથી નવી પેઢીમાં સ્વચ્છતાના બીજ રોપાયા હોવાનું ગૌરવભેર કહ્યું હતું. વર્ષ-૨૦૧૪ થી આરંભાયેલા સ્વચ્છ ભારત મિશનના કારણે દેશ ગંદકીમુક્ત થયો છે અને ચમકી રહ્યો છે, તેમ જણાવી તેમણે ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’નો મંત્રોચ્ચાર કર્યો હતો. સમગ્ર વિશ્વમાં સ્વચ્છ ભારતનું ગૌરવ અપાવવા બદલ તેમણે પુન: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.
તો, પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ નવસારીવાસીઓને કરોડો રૂપિયાના વિકાસ પ્રકલ્પોની ભેટ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સ્વચ્છ ભારત માટે નિરંતર પ્રયાસો થવા જોઈએ તેમ જણાવી તેમણે સ્વતંત્રતા પછી દેશને ગંદકીની બેડીઓમાંથી છોડાવવા બદલ અને સ્વચ્છતાની અખંડ જ્યોત પ્રગટાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદ પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સૌને સ્વચ્છતા માટે સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે સ્વચ્છાગ્રાહી અને સફાઈના નાયકો-પ્રહરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તદુપરાંત સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠતા સંદર્ભે એવોર્ડ-સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકાના વિવિધ શાખાના શ્રેષ્ઠ કર્મચારીઓને પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વેસ્ટ ટુ બેસ્ટ અને વેસ્ટ ટુ આર્ટ એવોર્ડ, સ્વચ્છ અને સક્ષમ શાળા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. નગરપાલિકામાં કામ કરતા ૫૩૮ કર્મચારીઓને પી. પી. ઈ. કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ બાદ અહીં પરિસરમાં મહાનુભાવોએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ જુનાથાણાના નવા મહોલ્લા ખાતે સ્વચ્છતા માટે શ્રમદાન પણ કર્યું હતું. વિરાવળ ખાતે લોકાર્પિત થયેલી એસ. ટી. પી. સાઈટની મહાનુભાવોએ મુલાકાત લઈને તકતીનું અનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, જિજ્ઞેશ નાયક, નવસારી તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિભાબેન આહિર, ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ પ્રશાંતભાઈ શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય.બી.ઝાલા, પ્રાંત અધિકારી જનકભાઈ ઠાકોર,નગરપાલિકાના ચીફ ઓફિસર જે. યુ. વસાવા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, કોર્પોરેટરો, સ્વચ્છતા અભિયાનના જિલ્લાના બ્રાન્ડ એમ્બેસેડર વિસ્પી કાસદ તેમજ મોટી સંખ્યામાં સફાઈ મિત્રો અને સ્વચ્છતાગ્રાહી નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ‘સ્વચ્છ ભારત દિવસ’ની સફળ ઉજવણી કરી હતી.