
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાના કાર્યક્રમમાં સહભાગી થતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર.પાટીલ
- Local News
- January 18, 2025
- No Comment
કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે નવસારીના નગરજનોને ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર.પાટીલ આજે મરોલી ખાતે આયોજીત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. જલાલપોર તાલુકાની શ્રી મરોલી કાંઠા વિભાગ કોળી સમાજની વાડીમાં આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારીના નગરજનોને નગરજનોને ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા ટકોર કરી હતી. રેઇન વોટર હાર્વેસ્ટિંગ અર્થાત્ વરસાદી પાણીના સંગ્રહ ભવિષ્યની પેઢી માટે તો પાણીની બચત થશે, પરંતુ આજના સમયમાં પીવા અને પિયત માટે પાણીની અછતની સમસ્યાને દૂર કરી શકીશું, તેમ પાટીલે ઉમેર્યું હતું.
નવસારીના સર્વાંગી વિકાસ માટે તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ તત્પર છે, તેમ જણાવી સી.આર.પાટીલે માળખાકીય સુવિધાઓના વિસ્તરણ પર ભાર આપ્યો હતો. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ થકી લોકોની સુખાકારીમાં વધારો થાય, તે માટે તાકીદ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કુપોષણ મુક્ત અભિયાન, ધુમાડા રહિત ગામ, પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છ ભારત મિશન, રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવા અનેક વિષયોને સી.આર.પાટીલે પોતાના સંબોધનમાં આવરી લઈને સરકારના કલ્યાણકારી અભિગમથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ હેઠળ આયોજીત એક દિવસીય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં આત્મા વિભાગ દ્વારા પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના લાભો, તેના માટેની સામગ્રી, અને પ્રાકૃતિક કૃષિ કરવાની પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પાટીલ સહિતના મહાનુભાવોએ કૃષિલક્ષી યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કર્યું હતું. સાથે જ પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ના વિજેતાઓને પુરસ્કાર આપી પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. કાર્યક્રમ સ્થળના પ્રાંગણમાં વિવિધ પ્રદર્શન સ્ટોલની મહાનુભાવોએ મુલાકાત લઈને સ્ટોલધારકો સાથે સંવાદ કર્યો હતો અને માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, ગુજરાત પ્રદેશ મહામંત્રી શીતલબેન સોની, નવસારી મહાનગર પાલિકાના કમિશનર દેવ ચૌધરી,કલેક્ટર ક્ષિપ્રા આગ્રે,ડીડીઓ પુષ્પ લતા,જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ,પ્રાંત અધિકારી જન્મ ઠાકોર,આત્મા યોજના,કૃષિ વિભાગના અધિકારીઓ,જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ શાખાનો સ્ટાફ, પ્રગતિશીલ ખેડૂતો અને આંગણવાડી બહેનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.