અતિ પ્રાચીન અરવલ્લીની પર્વતીય માળામાં આવેલ એક શકિતપીઠ એટલે અંબાજી આવો જાણીએ તેનું મહાત્મ્ય
- Travel
- February 17, 2025
- No Comment
અરવલ્લીની ગીરીમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી 1600 ફુટની ઉંચાઈ પર આવેલ ગુજરાત અને રાજસ્થાનની સીમા પર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી મંદિર આવેલું છે. આ મંદિર દેશના સૌથી જૂના અને પવિત્ર શક્તિ તીર્થ સ્થાનોમાંથી એક છે. દેશ અને એક સમયે અખંડ ભારતનું પાકિસ્તાનમાં પણ માં પાર્વતી એટલે શક્તિની દેવી સતીને સમર્પિત 51 શક્તિપીઠો એક પીઠ પણ આવેલું છે.
અંબાજીનું મંદિર ગુજરાત-રાજસ્થાન સીમા નજીક અરાવલી પર્વતીય શ્રૃંખલાના આરાસુર પર્વત ઉપર સ્થિત છે, જે દેશનું એક ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. સફેદ આરસપહાણથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર 103 ફૂટ ઊંચું છે. શિખર સોનાથી મઢીને બનેલું છે. જે મંદિરની સુંદરતા વધારે છે. અહીં દેશ અને વિદેશોથી પણ ભક્તો દર્શન કરવા માટે અહિં આવે છે. આ 51 શક્તિપીઠમાંથી એક છે, અહિં માતા સતીનું હ્રદય પડ્યું હતું.અન્ય મંદિરોથી થોડું અલગ છે. આ મંદિરમાં માતા અંબાની પૂજા શ્રીયંત્રની આરાધનાથી થાય છે જે સીધી આંખથી જોઇ શકાતું નથી.અહીંના પૂજારી આ શ્રીયંત્રનો શ્રૃંગાર એટલો અદભૂત કરે છે કે શ્રદ્ધાળુઓને લાગે છે કે જાણે માતા અંબાજી અહીં સાક્ષાત વિરાજમાન છે. તેમની પાસે જ પવિત્ર અખંડ જ્યોતિ પ્રગટે છે, જેના અંગે કહેવાય છે કે તે ક્યારેય ઓલવાઇ નથી.

માન્યતા છે કે, આ અંબાજી મંદિર અંગે કહેવામાં આવે છે કે, મા અંબેના પ્રાગટ્યની મૂળકથા પુરાણ ઉપર આધારીત એક કથા મુજબ પ્રજાપિતા દક્ષે બૃહસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યુ હતું. જેમાં દક્ષે બધા દેવોને નિમંત્રણ આપ્યુ હતું,પરંતુ પોતાના જમાઇ શંકર ભગવાનને બોલાવ્યા ન હતાં. પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરની સમંતિ ન હોવા છતાં દેવી સતિ પિતાના ઘરે પહોંચી ગયાં હતા. ત્યાં યોજાયેલા યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન જોતાં અને પિતા દક્ષના મોઢે પતિની નિંદા સાંભળતા દેવી સતિએ યજ્ઞ કુંડમાં પડી પોતાનો પ્રાણ ત્યજી દીધો હતો.
ભગવાન શિવજીએ દેવીસતીના નિશ્વેતન દેહને જોઇને તાંડવ આદર્યુ અને દેવી સતિના દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘુમવા માંડ્યાં હતા.ત્યારે આખીયે સૃષ્ટિનો ધ્વંસ થઇ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડીને દેવી સતિના શરીરના ટુકડા કર્યા હતા. જે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયું હતું. આવા 51 શક્તિપીઠોમાં અંબાજી શક્તિપીઠનું અનોખું અને અલગ મહાત્મ્ય હોવાથી માઇભક્તોમાં મા અંબેના ધામ અંબાજી પ્રત્યે વિશેષ શ્રદ્ધા આસ્થા રહેલી છે.

દેવી ભાગવતની દંતકથા અનુસાર પૌરાણિક સમયમાં મહિષાસુર નામે સમગ્ર બ્રહ્માંડ માટે ખતરનાક રાક્ષસ હતો. તેથી ત્રિદેવ બ્રહ્મા- વિષ્ણુ- મહેશના નેતૃત્વમાં તમામ દેવતાઓ આખરે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ મહાદેવી આદ્યશક્તિના અંતિમ આશ્રયે ગયાં હતા. જ્યાં તેઓએ બચાવ અને મદદ માટે તેમની પૂજા કરી હતી. જેથી આદ્ય દેવીશક્તિ સૂર્યના કિરણોના તેજસ્વી વર્તુળથી ઘેરાયેલા શસ્ત્રો સાથે પૃથ્વી પર અવતર્યા અને દેવીએ તેમની પવિત્ર તલવારથી મહિષાસુર રાક્ષસને મારી નાખ્યો અને ત્યારથી તેઓ વિશ્વમાં મહિસાસુર મર્દિની તરીકે પ્રખ્યાત થઇ ગયાં હતા. રામાયણમાં કહેલી દંતકથા અનુસાર ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં શ્રૃંગી રૂષિના આશ્રમમાં આવ્યાં હતા. જ્યાં તેમને ગબ્બર ઉપર દેવી અંબાજીની પૂજા કરવાનું કહેવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામે તે મુજબ કર્યું અને જગત માતા શક્તિદેવી અંબાજીએ તેમને અજયબાણ નામનું ચમત્કારિક તીર આપ્યું હતું. જેની મદદથી ભગવાન શ્રીરામે યુદ્ધમાં તેમણે રાવણ પર વિજય મેળવ્યો હતો અને તેને મારી નાખ્યો હતો.
શ્રી કૃષ્ણની ચૌલક્રિયા એવી પણ એક દંતકથા છે કે દ્વાપર યુગના સમયગાળા દરમિયાન ભગવાન કૃષ્ણના વાળ પણ અહીં આ ગબ્બર ટેકરી પર કાઢવાની ક્રિયા જેને ચૌલક્રિયા કહેવાય છે તે પણ કરવામાં આવી હતી. તેમના પાલક માતા-પિતા નંદ અને યશોદાએ પણ દેવી અંબાજી અને ભગવાન શિવની પૂજા કરી હતી. મેવાડના જાણીતા રાજપૂત રાજા મહારાણા પ્રતાપ આરાસુરી અંબા ભવાનીના સાચા ભક્ત હતાં. તેમને એકવાર માતા અંબાજીએ બચાવ્યા હતાં. તેથી તેમણે તેમની પ્રખ્યાત તલવાર માતા આરાસુરી અંબાજીના પવિત્ર ચરણોમાં ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.
દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. યાત્રાધામ સાથે પૌરાણિક અને ઐતિહાસિક અનેક માન્યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. જેમાં શ્રદ્ધાળુઓને સંપૂર્ણ વિશ્વાસ હોવાથી દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો પદયાત્રા કરી મા અંબાના દર્શનાર્થે ઉમટે છે અને ધન્યતા અનુભવે છે. મા અંબા ભાવિક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરતા હોવાની શ્રદ્ધાળુઓની માન્યતાને પગલે દર વર્ષે મેળામાં યાત્રિકો દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર તથા સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી લાખો માઇભક્તો માટે મેળામાં રહેવા, જમવા , સુવા અને દર્શનની વિશેષ સગવડો ઉપલબ્ધ કરવામાં આવે છે.

અંબાજી મંદિરનું જીર્ણોદ્ધાર 1975માં શરૂ થયું હતું. જે હજી સુધી ચાલુ છે. સફેદ સંગેરમરમરથી બનેલું આ ભવ્ય મંદિર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ મંદિરનું શિખર 103 ફુટ ઊંચું અને તેના પર 358 સુવર્ણ કળશ સ્થાતપિત કરાયેલા છે. મંદિરથી લગભગ 3 કિમીના અંતરે ગબ્બર નામનો પર્વત પણ છે, જ્યાં દેવીમાનું એક પ્રાચીન મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ પત્થર પર માતાના પદચિહ્ન તેમજ રથચિહ્ન બનેલા છે. અંબાજીના દર્શન પછી, શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત પર આવેલ આ મંદિરમાં જાય છે. અહી દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે

અંબાજીમાં પરંપરાગત ભાતીગળ ભાદરવી પૂનમના મેળાનો ઇતિહાસ 300 વર્ષ જૂનો છે. આ મેળા સાથે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. દર વર્ષે ભાદરવી પૂનમના રોજ યોજાતો આ મેળો સાત દિવસ ચાલે છે, હજારો લાખો શ્રદ્ધાળુઓની આસ્થા નું આ કેન્દ્ર છે આવી જ રીતે પાવાગઢમાં માતાજીનો જમણો અંગુઠો પડેલો છે આથી પાવાગઢનો મહિમા પણ અપરંપાર છે આ બધી વાતો શાશ્વત અને પરંપરાગત ચાલી આવેલી છે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહિત જિલ્લા વહીવટીતંત્ર આગોતરું આયોજન કરે છે. પદયાત્રીઓની સેવા કેમ્પો લાગતા હોય છે. નવરાત્રીમા માં અંબાને પોતાના ગામ ઘરે પધારવા માટે આમંત્રણ આપવા કે શેર માટીની ખોટ પુરી થતા માનતા પુરી માટે ભાદરવી પૂનમ પર ભક્તો અંબાજી આવે છે. મેળામાં 2000 કરતા વધુ સંઘ આવે છે અને માં અંબેને ધજા ચઢાવે છે. દૂર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓ માં અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અને સમગ્ર અંબાજી ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠે છે.
