લખપતિ દીદી સન્માન સમારોહ: નવસારી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સહભાગી થશે
- Local News
- March 1, 2025
- No Comment
આગામી ૮મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં સહભાગી થવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નવસારી આવી રહ્યા છે, ત્યારે આ અંગે વિસ્તૃત માહિતી આપતા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, ૮મી માર્ચે નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને સાંસદ સી. આર. પાટીલ તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
સમૂહ માધ્યમો સાથે સંવાદ કરતા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે આયોજિત લખપતિ દીદી સન્માન સમારોહમાં ૧ લાખથી વધારે મહિલાઓ ભાગ લેશે. સ્ટેજ કાર્યક્રમ પૂર્વે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લખપતિ દીદીઓ સાથે સંવાદ પણ કરશે. તેમજ સરકારની વિવિધ યોજનાઓ થકી અનેક મહિલાઓ લખપતિ દીદી બનવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસેથી પ્રેરણા લેશે.

કાર્યક્રમની વધુ વિગતો આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે, કાર્યક્રમ સ્થળે ૩૩ જિલ્લાની સખી મંડળો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન કરતા સ્ટોલ ઊભા કરવામાં આવશે. તેમજ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જળ સંચયની થીમ આધારિત એક સ્ટોલ રાખવામાં આવશે. આ સ્ટોલ્સની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મુલાકાત લેવામાં આવશે.
કલેક્ટરે તમામ વ્યવસ્થાઓની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં સહભાગી થનાર મહિલાઓ માટે પરિવહન સુવિધા સહિતની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય પ્રજાને દુવિધા કે તકલીફ ના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ,આરોગ્ય,વોશરૂમ,ભોજન,પીવાનું પાણી સહિત અન્ય સૂક્ષ્મ આયોજન અને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ધો. ૧૦-૧૨ ની બોર્ડના પરીક્ષાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે નોડલ અધ્યાપકોની નિમણૂક કરવામાં આવી હોવાનું ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું. તદુપરાંત ટ્રાફિકના કિસ્સાઓમાં પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર પરીક્ષાર્થીઓની સહાય કરશે, તેમ તેમણે મક્કમતાથી જણાવ્યું હતું. કલેક્ટર ક્ષિપ્રાએ વાલીઓ અને પરીક્ષાર્થીઓને ચિંતામુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલએ સુરક્ષા વ્યવસ્થાની વિગતે માહિતી આપી હતી. ૧૪ એસ. પી. રેન્કના અધિકારીઓ, ૩૨ ડી.વાય.એસ.પી. રેન્કના અધિકારીઓ સહિત કુલ ૩ હજાર પોલીસકર્મી અને ૧ હજાર હોમગાર્ડ્સના જવાનો એમ કુલ ૪ હજાર સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. સામાન્ય પ્રજાને થોડી પણ તકલીફ ના પડે, તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એમ.પંડ્યા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: તમામ તૈયારીઓને અપાઈ રહ્યો છે:આખરી ઓપ