
નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સૂચિત કાર્યક્રમ અનુસંધાને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ મનિષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
- Local News
- February 28, 2025
- No Comment
સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્વિત કરવા વહિવટી તંત્રને જરૂરી રચનાત્મક સુચનો કર્યા: નવસારી,વલસાડ, ડાંગના કલેક્ટર,ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં સામેલ થયા હતા
આગામી 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે વડાપ્રધાનની અધ્યક્ષસ્થાને યોજનાર લખપતિ દીદી કાર્યક્રમ સંદર્ભે સચિવશ્રી પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ મનિષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સ્થળ વાંસી-બોરસી ખાતે તૈયારીઓને લગતી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી સચિવ મનીષા ચંદ્રાએ તમામ વ્યવસ્થાઓ સમય મર્યાદામા પૂર્ણ થાય તથા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્વિત કરવા વહિવટી તંત્રને જરૂરી રચનાત્મક સુચનો કર્યા હતા. તેમણે ત્રણેય જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓને પોતાને સોંપવામાં આવેલી કામગીરીઓને સારી રીતે પુરી કરવા સુચન કર્યું હતું.
બેઠકમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ કાર્યક્રમની રૂપરેખા સહીત વ્યવસ્થાઓ જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, લાભાર્થીઓ, સાઉન્ડ સિસ્ટમ, ડોમની ડીઝાઇન, બેઠક વ્યવસ્થા, પાર્કિગ, ફુડ પેકેટ, પીવાના પાણી, શૌચાલય, ગ્રીનરૂમ, હેલીપેડ, સ્ટેજ ઉપરની આનુસાંગિક વ્યવસ્થાઓ,પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક નિયમન વગેરે અંગેની તૈયારીઓની ઝીણવટપુર્વક માહિતીથી સચિવને અવગત કર્યા હતા.
આ ઉપરાંત કાર્યક્રમને અનુસંધાને બનાવેલ વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ દ્વારા પોતાની કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી.મનીષા ચંદ્રા એ ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને કાર્યક્રમ સ્થળનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું.આ બેઠકમાં નવસારી જિલ્લા સહિત વલસાડ અને ડાંગ જિલ્લાના કલેક્ટર, ડીડીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.