
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા નવસારીની ગંગા સ્વરૂપા બહેનો પણ ઉત્સાહિત બની
- Local News
- March 4, 2025
- No Comment
નવસારી જિલ્લામાં 54448 વિધવા બહેનો દર મહિને મેળવી રહી છે રૂ. 6.89 કરોડની સહાય: છેલ્લા 3 વર્ષમાં રૂ. 229 કરોડની સહાય ચૂકવી ગંગા સ્વરૂપા બહેનોને બનાવાઈ આત્મનિર્ભર
ખાસ અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી
આગામી 8 માર્ચ વિશ્વ મહિલા દિનની ઉજવણી પ્રસંગે નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે નવસારી જિલ્લાની ગંગાસ્વરૂપા બહેનો પણ વડાપ્રધાને આવકારવા માટે ઉત્સાહિત બની છે. વિધવા બહેનોને સમાજમાં સન્માનજનક મોભો મળે તે માટે તો કેન્દ્ર સરકારે સાર્થક કામગીરી કરી જ છે પરંતુ વિધવા બહેનો આર્થિક રીતે પગભર પણ બની શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચિંતા કરી છે. વિધવા બહેનોને દર મહિને સરકાર દ્વારા રૂ.1250ની સહાય ચૂકવવામાં આવી રહી છે. નવસારી જિલ્લાની વાત કરીએ તો હાલમાં 54448 વિધવા બહેનોને મહિને રૂ. રૂ.6,89,70,000 કરોડની સહાય ચૂકવવામાં આવે છે. છેલ્લા 3 વર્ષમાં રૂ. 229 કરોડની સહાય સરકાર દ્વારા ચૂકવી ગંગા સ્વરૂપા બહેનોને આત્મનિર્ભર બનાવાઈ છે.
મહિલાઓ વિકાસની ઉંચી ઉડાન ભરી શકે તે માટે સતત પ્રયત્નશીલ કેન્દ્ર અને રાજ્ય સરકારના હ્રદયમાં હંમેશા વિધવા બહેનોની વિશેષ ચિંતા છે. પતિના અવસાન બાદ તેઓ નિરાધાર ન રહે અને સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે સંવેદનશીલ સરકાર વિધવા બેહેનોને વ્હારે આવી છે. જીવનસાથીના મૃત્યુ બાદ મોટેભાગની વિધવા મહિલાને ઘર-પરિવાર કે સમાજ તરફથી ઘણુ સહન કરવું પડતું હોય છે. ત્યારે સરકારે વિધવા મહિલાઓને સમાજમાં સન્માન મળે તે માટે વિધવા તરીકે નહીં પણ ગંગા સ્વરૂપા તરીકે નામ આપી સમાજમાં અદકેરૂ સન્માન આપ્યું છે. આ સાથે જ તેઓ આર્થિક રીતે પગભર બની સ્વમાનભેર જીવી શકે તે માટે પહેલા રૂ. 750 ત્યારબાદ રૂ. 1000 અને હવે સહાયની રકમમાં વધારો કરી રૂ. 1250 માસિક સહાય ચૂકવવામાં આવી રહી છે. જે રકમ ગંગા સ્વરૂપ બહેનોના ખાતામાં ડીબીટી દ્વારા સીધી જમા કરવામાં આવે છે.
વિધવા બહેનોની નાની નાની વાતોમાં ચિંતિત સરકારે એક મહત્વનો સુધારો કર્યો કે, જેનાથી ગંગા સ્વરૂપા બહેનોની આખી જિંદગીની ચિંતા જ દૂર થઈ ગઈ. પહેલા એવી શરત હતી કે, વિધવા બહેનનો પુત્ર 21 વર્ષનો થાય એટલે સહાય બંધ કરી દેવાની પરંતુ સંવેદનશીલ સરકારે આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખી આ શરતને જ રદ કરી નાંખી છે. હવે તેઓને આજીવન સહાય મળી રહે છે. નવસારી જિલ્લામાં વર્ષ 2020માં 37454 લાભાર્થી હતા જે વધીને વર્ષ 2025માં અત્યારે 54448 થયા છે. જે આંકડો સરકારની યોજનાનો લાભ દિવસે દિવસે વધુને વધુ સંખ્યામાં ગંગા સ્વરૂપા બહેનોને મળી રહ્યો છે તે પ્રતિત કરે છે.
હું સન્માનથી જીવન જીવી શકુ છું, અન્ય પર બોજ બનવુ પડતુ નથીઃ લાભાર્થી શીલાબેન સલાટ
વિધવા સહાય યોજનાના નવસારીના કબીલપોરમાં હરીનગર સોસાયટી ખાતે રહેતા લાભાર્થી શીલાબેન હરીશભાઈ સલાટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા જણાવે છે કે, 10 વર્ષ પહેલા મારા પતિનું કેન્સરની બિમારીના કારણે અવસાન થયુ હતું. ત્યારબાદ ઘર ખર્ચ અને દવાનો ખર્ચ કેવી રીતે નીકળશે તેની ચિંતા હતી. ત્યારે અમારા મહોલ્લામાં રહેતી એક મહિલાએ મને આ યોજના વિશે જાણ કરી અને મે કાર્યવાહી હાથ ધરી હતી. જેથી બીજા જ મહિને મારા પોસ્ટ ખાતામાં રૂ.1250ની માસિક સહાયની રકમ જમા થતી ગઈ હતી. જેમાંથી હું મારી દવાનો ખર્ચ આરામથી કરી શકુ છું. કોઈના પર બોજ બનવુ પડતુ નથી. સ્વમાનથી જીવી શકુ છું, જે બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો દિલથી આભાર વ્યક્ત કરૂ છું. આગામી તા.8 માર્ચના રોજ તેઓ નવસારીના આંગણે આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે અમે સૌ મહિલાઓ સહભાગી થઈશું.
વડાપ્રધાને અંધકાર જીવનમાં પ્રકાશ પાથરવાનું પૂણ્યનું કામ કર્યુઃ લાભાર્થી પ્રિયંકા પટેલ
વિધવા સહાય યોજનાના અન્ય એક લાભાર્થી પ્રિયંકાબેન અજીતભાઈ પટેલ કહે છે કે, મારા પતિનું 14 વર્ષ પહેલા અકસ્માતમાં મોત થયું હતું. મારી બે નાની નાની દીકરીઓ છે. પતિના મોત બાદ માથા પર આભ તુટી પડ્યુ હોય તેવો અહેસાસ થયો હતો. આવકનું કોઈ સાધન ન હતું. ત્યારે ફળિયાની મહિલાએ વિધવા પેન્શન સહાય યોજના વિશે માહિતી આપી અને ફોર્મ ભરતા મને સહાય મળવાની ચાલુ થઈ ગઈ હતી. છેલ્લા 13 વર્ષથી હું સહાયનો લાભ મેળવુ છું જે દીકરીઓના ભણતર પાછળ ખર્ચુ છું. સાથે સિલાઈ કામ પણ કરૂ છું. સરકારની આ યોજનાએ અમારા અંધકાર જીવનમાં પ્રકાશ પાથરવાનું કામ કર્યુ છે. જે બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરૂ છું.