
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા
- Local News
- March 10, 2025
- No Comment
ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં પહોચતા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ અધિકારી કચેરી હસ્તક નિમણૂક થયેલ ઉમેદવારોને હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ કેમ્પનું આયોજન કરી જુના શિક્ષકોને નિમણૂક ઓર્ડરો એનાયત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં શિક્ષણ વિભાગના આદેશ પ્રમાણે તારીખ ૦૯ માર્ચ-૨૦૨૫ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરી તેમજ સમગ્ર શિક્ષણ અધિકારીના વહીવટી સ્ટાફ દ્વારા નવસારી જિલ્લામાં જુના શિક્ષક તરીકે પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂક હુકમ આપવા અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સંચાલક મંડળને ભલામણ પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર પ્રક્રિયામાં સંચાલક મંડળો તેમજ આચાર્યની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લા આચાર્ય સંઘ તેમજ માધ્યમિક શિક્ષક સંઘ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને વહીવટી સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જિલ્લામાં પસંદ થયેલા માધ્યમિક વિભાગના ૧૯ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૫૯ આમ કુલ ૭૮ ઉમેદવારોને નિમણૂંક હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં જ નિમણૂંક પામેલા ઉમેદવારો પોતાની સંસ્થામાંથી છુટા થઈ નવી સંસ્થામાં કાર્યરત થશે આમ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પ્રથમ તબક્કામાં જુના શિક્ષકોની ભરતી પ્રક્રિયા નવસારી જિલ્લા ખાતે શાંતિપૂર્ણ માહોલમાં અને સુચારુ રૂપ સંપન્ન થઈ હતી.