વર્લ્ડ મેલેરિયા ડે:નવસારી જિલ્લામાં મેલેરિયા નિયંત્રણની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો
- Local News
- April 24, 2025
- No Comment
નવસારી જિલ્લામાં વર્ષ-૨૦૧૫માં ૧૦૨૬ મેલેરિયાના કેસો હતા જે ઘટીને ૨૦૨૪માં ૫૨ થયા
દર વર્ષે ૨૫મી એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અગાઉ, મેલેરિયા સૌથી વધુ ફેલાતા ચેપી રોગો પૈકી એક રોગ હતો તથા તેનાથી મૃત્યુ પણ વધુ થતાં હતા. વર્ષ ૨૦૨૭ સુધીમાં ગુજરાત સરકારશ્રી દ્વારા મેલેરિયા નિર્મૂલન (મેલેરિયા મુક્ત)નું લક્ષ્ય નિયત કરવામાં આવેલ છે. અને વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત સરકારશ્રી દ્વારા મેલેરિયા નિર્મૂલન (મેલેરિયા મુક્ત) નું લક્ષ્ય નિયત કરવામાં આવેલ છે.
આ અભિયાન અન્વયે ગુજરાત રાજ્યની જેમ નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાંક વર્ષોમાં મેલેરિયા નિયંત્રણમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થયેલ છે. જેમાં વર્ષવાર જોઇએ તો ૨૦૧૫માં ગુજરાત રાજ્યના મેલેરિયાના કેસો ૪૧૫૬૬ અને નવસારી જિલ્લામાં મેલેરિયાના કેસો હતા. જે ઘટીને વર્ષ-૨૦૨૪માં ગુજરાત રાજ્યના મેલેરિયાના કેસો ૪૩૬૫ અને નવસારી જિલ્લામાં મેલેરિયાના કેસો ૫૨ થતા નવસારી જિલ્લામાં મેલેરિયા નિયંત્રણની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

મેલેરિયાના કેસોના નિદાન માટે બે પ્રકારનું સર્વેલન્સ અમલમાં છે. પેસીવ એટલે કે હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો વગેરે ખાતે આવનાર તાવવાળા દર્દીઓની લોહીની તપાસ કરવી. તથા, એકટીવ એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી સ્લમ/સ્લમ લાઈક વિસ્તારોમાં, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર અને આશા વર્કર દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વે દરમ્યાન શોધવામાં આવેલ તાવના કેસોના મેલેરિયા માટેના લોહીના નમૂના સ્થળ પર જ લઈને નમુનાઓને આરોગ્ય કેન્દ્રો ખાતે મોકલીને તેનું નિદાન કરવામાં આવે છે.

ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીમાં નવસારીમાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો
નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪ દરમ્યાન જિલ્લામાં તમામ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો સહિત ૬૫ સંસ્થાઓ ખાતે તથા ૨૯૨ મ.પ.હે.વર્કર અને ૧૦૬૯ આશા વર્કર અને અન્ય ફિલ્ડ કર્મચારીઓ દ્વારા કુલ ૪૨૯૭૭૦ લોહીના નમુનાઓ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૫૨ મેલેરિયા પોઝીટીવ આવ્યા હતા. ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીમાં નવસારીમાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ છે.

મેલેરિયા અટકાયતી અને નિયંત્રણ માટે નવસારી આરોગ્ય વિભાગ સતત કાર્યરત
નવસારી જિલ્લામાં મેલેરિયા અટકાયતી અને નિયંત્રણ પગલાં માટે આરોગ્ય વિભાગ તરફથી વિવિધ પગલાં અને વ્યુહરચના હાથ ધરવામાં આવી હતી. જેમાં એન્ટી લાર્વલ (પોરા-નાશક) કામગીરી જેમાં સોર્સ રીડક્શન, પાણીના પાત્રોમાં ટેમીફોસનું દ્રાવણ નાંખવું, ખાડા-ખાબોચિયા, બંધિયાર પાણીમાં નવીન જંતુનાશક દવાનો અને ઓઇલનો છંટકાવ કરવો તથા કાયમી જળસ્ત્રોતમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મૂકવી, વગેરેનો સમાવેશ કરાયો હતો. એન્ટી મોસ્કીટો (મચ્છર નિયંત્રણ) કામગીરી જેમાં ફોગીંગ સ્પ્રે, IRS સ્પ્રે, ફોકલ સ્પ્રે તથા ખાસ પ્રકારની જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની અને મચ્છર અગરબત્તી, ધુમાડો, વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત તમામ કામગીરી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા યુધ્ધના ધોરણે હાથ ધરાતા ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીમાં નવસારીમાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગ સહિત શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ઉપરોક્ત કામગીરી કરવામાં આવી હતી. વળી, દર વર્ષે વર્ષાઋતુંમાં ઉપરોક્ત કામગીરીને ઝડપી અને ઘનિષ્ઠ બનાવવા માટે શહેરી વિસ્તારમાં અને જોખમી/પેરી-અર્બન વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાસ વેકટર કંટ્રોલ ટીમો દ્વારા 4 મહિના સુધી નિયંત્રણ કામગીરી કરવામાં આવે છે. ગત વર્ષ દરમ્યાન પ્રિ-મોન્સુન પ્રિપેર્ડનેસ સમયમાં તથા વર્ષાઋતુંમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘનિષ્ઠ ઝુંબેશ અંતર્ગત હાઉસ-ટુ-હાઉસ સર્વે અને નિયંત્રણ કામગીરીના રાઉન્ડ પણ હાથ ધરવામાં આવ્યા હતા.
આ સાથે જનભાગીદારી અને સહકાર પ્રાપ્ત કરવા માટે દર માસે જનજાગૃતિ શિબિરો, શાળા-કોલેજોમાં સેમીનાર, લાઈવ લાર્વલ-ફીશ નિદર્શન, પત્રિકા વિતરણ, વગેરે દ્વારા પ્રચાર-પ્રસારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સેમીનાર, રેલી, શિબિરો અને પત્રિકા વિતરણ, બેનર્સ, પોસ્ટર્સ, વગેરે દ્વારા જનજાગૃતિ અને પ્રચાર-પ્રસાર ઝુંબેશ હાથ ધરાઇ હતી.

મેલેરિયા પ્લાઝ્મોડિયમ નામના સુક્ષ્મ પેરેસાઇટ દ્વારા થાય છે
મેલેરિયા પ્લાઝ્મોડિયમ નામના સુક્ષ્મ પેરેસાઇટ દ્વારા થાય છે તથા રોગનો ફેલાવો માદા એનોફીલીસ મચ્છર દ્વારા થાય છે. એનોફીલીસ મચ્છર ચોખ્ખા બંધિયાર પાણીમાં ઈંડા મુકીને ઉછરે છે, ખાસ કરીને વરસાદી પાણી, ખેતરના પાણી, ઘરની આસપાસ પીપ, ટાંકી, કૂવા, હવાડા, હોજ, ખાબોચિયા વગેરે સ્થળોએ ઉછરે છે. રોગનો ફેલાવો ચોમાસા દરમ્યાન સૌથી વધુ થાય છે. મેલેરિયાની સંપૂર્ણ સારવાર RT અને ACT કીટ લેવાથી તે જડમૂળથી મટી શકે છે, જે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
ગુજરાત રાજ્ય અને નવસારી જિલ્લામાં મેલેરિયાના કેસોની સ્થિતી:
નવસારી જિલ્લામાં આજે તા.૨૫મી એપ્રિલના રોજ ‘વિશ્વ મેલેરિયા દિવસ’ની ઉજવણી ગણદેવા આઇ.ટી.આઇ. ખાતે તથા ઉન આઇ.ટી.આઇ. ખાતે વર્કશોપ યોજાશે. જેમાં વિશ્વ મેલેરિયા દિન ૨૦૨૫ની થીમ “ મેલેરિયાનો અંત આપણાથી : પુન:રોકાણ કરો, પુન:કલ્પના કરો, પુન: જાગ્રૃત કરો” ( “ Malaria Ends With us: Reinvest, Reimagine, Reignite ”) વિશે માહિતગાર કરવામાં આવશે.