નવસારી ખાતે “વિશ્વ મેલેરિયા દિવસ“ની ઉજવણી કરવામાં આવી
- Local News
- April 25, 2025
- No Comment
નવસારી જિલ્લામાં તા.૨૫મી એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી નિમિત્તે અબ્રામા ગામ ખાતે જી.આઇ.ડી.સી એન્જીનીયરીંગ કોલેજ ખાતે વર્કશોપ યોજાયો હતો. જેમાં વિશ્વ મેલેરિયા દિન ૨૦૨૫ની થીમ “ મેલેરિયાનો અંત આપણાથી : પુન:રોકાણ કરો, પુન:કલ્પના કરો, પુન: જાગ્રૃત કરો” ( “ Malaria Ends With us: Reinvest, Reimagine, Reignite ”) વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વળી, મેલેરિયા મુકત ગુજરાત અન્વયે આગામી વ્યુહરચના વિશે અને મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોના નિયંત્રણ માટેના IVM અંતર્ગત વિવિધ પગલાંઓ વિશે ઓડિયો-વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેલેરિયા/ડેન્ગ્યુના મચ્છર, મચ્છરના પોરાં તથા પોરાભક્ષક ગપ્પી માછલીઓનું લાઇવ ડેમોંસ્ટ્રેશન પણ યોજવામાં આવ્યુ હતું. તદુપરાંત, જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ આરોગ્ય કેન્દ્રો દ્વારા વિશ્વ મેલેરિયા દિન નિમિત્તે જનજાગ્રૃતિ શિબિરો, રેલી, નિદર્શંન, પત્રિકા વિતરણ, પોસ્ટર ડિસ્પ્લે તથા વોટસ એપ, ટ્વીટર, વગેરે માધ્યમથી IEC અંતર્ગત પ્રચાર-પ્રસારના વિવિધ કાર્યક્ર્મો હાથ ધરવામાં આવ્યા હતા.

વર્ષો પહેલાં મેલેરિયાનો રોગચાળો ખુબ વ્યાપક પ્રમાણમાં જોવા મળતો હતો, જેમાં હવે નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે. ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૫ માં મેલેરિયાના ૪૧,૫૬૬ કેસો થયેલ, જે વર્ષ ૨૦૨૪ માં ઘટીને ૪૩૬૫ કેસો થયેલ હતા. આ જ રીતે નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૧૫ માં મેલેરિયાના ૧,૦૨૬ કેસો થયેલ, જે વર્ષ ૨૦૨૪ માં ઘટીને ફક્ત ૫૨ કેસો નોંધાયા હતા. આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા ઝડપી નિદાન, સંપુર્ણ સારવાર, નવા જંતુનાશકો દ્વારા પોરાં/મચ્છર નિયંત્રણની નવીનત્તમ ટેકનોલોજી તથા સુક્ષ્મ આયોજન સહ વ્યુહરચના કારણભૂત છે. વર્ષ ૨૦૨૭ સુધીમાં ગુજરાતને મેલેરિયાથી મુકત કરવા માટે તમામ કક્ષાએથી સાતત્યસભર કામગીરીની સાથે-સાથે જનસમુદાયના સહયોગની ખાસ જરૂર છે. મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાણીનાં ભરાવા કે બંધિયાર પાણીનો જનસમુદાય દ્વારા સ્થાનિક પ્રશાસનના સહયોગથી સમયસર નિકાલ થાય તથા પાણી ભરાય તેવા તમામ પાત્રોની નિયમિત સાફસફાઇ થાય, તે ખૂબ જરૂરી છે.
કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેન્દ્ર રંગુનવાલા, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મયંક ચૌધરી, આર.સી.એચ.ઓ. ડો.રાજેષ પટેલ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ભાવેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફીસરો, પ્રિન્સીપાલો, મેડિકલ ઓફીસરો, આરોગ્ય કર્મચારીઓ, અન્ય સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.