અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા નાયક ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી તેજસ્વી છાત્રોને આધુનિક લેપટોપ અર્પણ કરાયા
- Local News
- May 17, 2025
- No Comment
નવસારીના અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે અત્યંત તેજસ્વી અને અત્યંત જરૂરિયાતમંદ ધોરણ-૧૨ માં ઉત્તિર્ણ થયેલ ૧૨ વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કે નાયક ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ (પદ્મવિભુષિણ અનિલભાઈ નાયક) ના સૌજન્યથી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના ઉપક્રમે અતિ આધુનિક લેપટોપ અર્પણ કરવાનો સાદગીભર્યો કાર્યક્રમ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ, નવસારી ખાતે પ્રમુખ જીગ્નેશ આર. દેસાઈ તથા મંત્રી હાર્દિક નાયક અને ઉપપ્રમુખ રવિન મહાદેવ દેસાઇની ત્રિવેણી ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આરંભે શ્રીમતિ અરુંધતિ જીજ્ઞેશ દેસાઈ દ્વારા પ્રાસંગિક પ્રસ્તાવના અને સંચાલન થયું હતું. અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશભાઈ આર. દેસાઈએ જણાવ્યું હતું ૯૫ % પર્સનટાઇલ થી વધુ ગુણ મેળવનાર ૧૨ છાત્રાઓને નવસારી પ્રદેશમાંથી પ્રથમવાર નતમસ્તકે કાયમી ધોરણે લેપટોપ અર્પણ કરવાનો આ સમારોહ એક શૈક્ષણિક યજ્ઞ છે.

પ્રમુખ જીજ્ઞેશ દેસાઇ તથા મંત્રી હાર્દિક નાયકે આર્કિટેક્ટ અને યુવા કાર્યકર રવિન મહાદેવ દેસાઈ આ પ્રસંગ માટે મધ્યસ્થી બન્યા એ આનંદ દાયક બાબત છે અને નવસારીની સંસ્કાર ભારતી હાઇસ્કુલ, નવસારી હાઈસ્કુલ, સરદાર પટેલ હાઇસ્કુલ જલાલપોર, સરદાર શારદા મંદિર વિજલપોર, શ્રીમતી ડી.આઈ. કાપડિયા કન્યા વિદ્યાલય ગણદેવી, એલ.ડી. હાઈસ્કુલ સચિન મળી કુલ બાર જરૂરીયાતમંદ અને તેજસ્વી છાત્રાઓ ભવિષ્યમાં સી.એ. બની શકે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં ઉમદા સનદી અધિકારી બની શકે કે બેન્કર બની શકે તેના પીઠબળ માટેનો આ સાદગીભર્યો પ્રસંગ છે.
આ ઉપરાંત બીજા અને ત્રીજા તબક્કામાં પણ આ કાર્યક્રમની શૃંખલા આગળ પણ લઇ જવાના પ્રયાસો અમે કરી રહ્યા છે એમ જણાવી નાયક ચેરીટેબલ ટ્રસ્ટના પિતા-પુત્ર બેલડી અનિલભાઈ નાયક તથા જીજ્ઞેશભાઈ નાયકનો ઋણ સ્વીકાર કર્યો હતો.લેપટોપ મેળવનાર તેજસ્વી છાત્રાઓએ ભાવવિભોર બનવા સાથે લેપટોપ જેવી સુખદ ભેટ મળી એ માટે અહોભાવ દાખવ્યો હતો.