નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેરી હરિફાઇ યોજાઈ: 125 ખેડૂતો દ્વારા 241 જાતની કેરીનું પ્રદર્શિત કરવામાં આવી
- Local News
- May 22, 2025
- No Comment
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેરી હરિફાઇ તથા પ્રદર્શન 70 દેશી તથા 15 વિદેશી જાતની કેરીઓ સમાવેશ કરવામાં આવ્યો: પલસાણાની સોનપરી વિજેતા બની,ખેડૂતોને નવી જાતોનું વાવેતર કરવા આહવાન કરાયું
અસ્પી બાગાયત મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે અસ્પી બાગાયત મહાવિદ્યાલય ખાતે કેરી પ્રદર્શન અને હરિફાઇ યોજાઇ હતી. કેરી પ્રદર્શન અને હરિફાઈ આયોજનનો મુખ્ય હેતુ કેરીની વિવિધ જાતો અને તેના ગુણધર્મો અંગેની માહિતી ખેડૂત આલમમાં પ્રસરે તથા ખેડૂતો કેરીની વિવિધ જાતોનું વાવેતર કરી સારી આવક મેળવી શકે એ હતો. 
આ પ્રસંગે કેરી પ્રદર્શન અને હરિફાઈનું ઉદઘાટન નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ યુનિવર્સિટી દ્વારા કેરીમાં સંશોધન કરવામાં આવેલી સોનપરી તથા તાજેતરમાં જ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલ નવપરી જાતની ખાસિયતો તથા ચીકુની નવી જાત ગણદેવી મુરબ્બો વિશેની જાણકારી આપતા ખેડૂતોને આ બંને પાકોની નવી જાતોનું વાવેતર કરવા આહવાન કર્યું હતું.

કેરી પ્રદર્શન અને હરિફાઈમાં યુનિવર્સિટી પાસે ઉપ્લબ્ધ ૮૦ થી વધુ કેરીની જાતોને તથા ૬૫ ખેડૂતો દ્વારા કેસર, સોનપરી, હાફુસ, એક્ઝોટિક અને દેશી જાતો મળીને કુલ ૧૨૫ થી વધુ જાતોના નમુનાને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ હરિફાઈનો મુખ્ય હેતુ ખેડૂતોમાં કેરીની અવનવી જાતોનો પ્રચાર પ્રસાર થાય તથા ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલ કેરીની વિવિધ જાતોના ગુણવતાયુક્ત ફળોના પ્રદર્શનથી અન્ય ખેડૂતો માહિતી મેળવી આગામી વર્ષોમાં ગુણવત્તાસભર અને નફાકારક ઉત્પાદન મેળવી શકે તથા અન્ય ખેડૂતોને પણ આ પ્રદર્શનથી પ્રેરણા મેળવવાનો હતો.
હરિફાઈમાં ભાગ લીધેલ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે કુલપતિ સહિત મહાનુભાવોના વરદ હસ્તે સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, રજીસ્ટ્રારશ્રી, બાગાયત કોલેજના આચાર્ય તથા કોરેસ્ટ્રી કોલેજના આચાર્ય અને અન્ય પદાધિકારી અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં ૭૦ થી વધુ ખેડૂતો, બાગાયત અને કૃષિ કોલેજના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ આ પ્રદર્શન નિહાળી કેરીની અલગ-અલગ જાતોની ઓળખ કરી નાગરીકો, ખેડૂતો, વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.