બીલીમોરાના ઊંડાચનો ક્ષતિગ્રસ્ત પુલ રિપેર થતાં ટૂંક સમયમાં જનતા માટે ખૂલી જશે
- Local News
- May 30, 2025
- No Comment
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પુલની મુલાકાત લઈને કામગીરીનો મેળવ્યો અહેવાલ
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા બીલીમોરા અને ઊંડાચ ગામ વચ્ચેનો મુખ્ય પુલ, વર્ષ 2022માં પડેલા અતિભારે વરસાદના કારણે ગંભીર રીતે નુકસાનગ્રસ્ત થયો હતો. આ પુલનો એક પીલર જમીનમાં બેસી જતા પુલમાં તિરાડો પડી હતી અને પુલ અસુરક્ષિત જાહેર થતાં તત્કાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

આ પુલ વિસ્તારના અનેક ગામોને જોડતું મહત્વપૂર્ણ માર્ગ હતો. પુલ બંધ થતા ગ્રામજનોને દૈનિક ભણતર, નોકરી, વેપાર અને તાત્કાલિક સેવા માટે 20થી વધુ કિલોમીટરનો લંબાવ કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને તાત્કાલિક આરોગ્યસંભાળની જરૂરિયાત ધરાવતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ત્રણ વર્ષ સુધી પુલ બંધ રહેવાને કારણે લોકોમાં ખતરો અને આક્રોશ બંને હતો. તંત્ર તરફથી રિપેરીંગ માટે દરખાસ્તો મોકલાઈ, ટેન્ડરો બહાર પાડાયા અને આખરે રાજ્ય સરકારની મંજૂરી બાદ પુલનું પુનઃનિર્માણ અને મરામતનું કામ શરૂ થયું.

હમણાં તાજેતરમાં પુલનું રિપેરિંગ કામ પૂર્ણ થઇ ગયાનું અધિકૃત તંત્ર દ્વારા જણાવાયું છે. ટૂંક સમયમાં પુલ પર વાહન વ્યવહાર પુનઃશરૂ થવાની શકયતા છે.
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે તાજેતરમાં પુલની મુલાકાત લીધી હતી. તેમણે તંત્રના ઈજનેરો અને કામદારો સાથે મુલાકાત કરીને કામગીરીની વિગતો મેળવી હતી. નરેશ પટેલે જણાવ્યું કે, “વિસ્તારના લોકો માટે આ પુલ જીવનરેખા સમાન છે. પુલ બંધ થતાં લોકોએ અસંખ્ય મુશ્કેલીઓ ભોગવી છે. હવે તે ફરીથી ખૂલી રહ્યો છે, જે આનંદદાયક બાબત છે.”
પુલના સિક્યુરિટી ટેસ્ટિંગ અને ફાઇનલ ઈન્સ્પેક્શન પછી તેને જનતા માટે ખોલી આપવામાં આવશે. રિપેરિંગ દરમિયાન પુલના પિલર, ગર્ડર અને ડેકને મજબૂત બનાવાયા છે, જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું જોખમ ન રહે.

સ્થાનિક લોકોમાં પણ હવે રાહતની લાગણી છે. ઘણા નાગરિકોએ ધારાસભ્ય તથા તંત્રનો આભાર માન્યો છે કે, લાંબા ઇંતજાર બાદ અંતે પુલ હવે પુનઃશરૂ થવાની આસ લાગે છે.
