કોની રહેમનજર ?!: નવસારીના ગણદેવીના કાંઠા વિસ્તારોમાં ગેરકાયદે ઝીંગા તળાવોને લઈ વરસાદી અને રેલના પાણીના નિકાલને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું જુઓ શું કહ્યું
- Local News
- May 29, 2025
- No Comment
નવસારીના ગણદેવીના કાંઠા વિસ્તારોમાં ગેરકાયદે ઝીંગા તળાવોને લઈ વરસાદી અને રેલના પાણીના નિકાલને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.વરસાદી પાણીનો નિકાલ ગણદેવી સહિતના આસપાસના કાંઠા વિસ્તારોમાં ન થતો હોવાને લઈને ગામના લોકોને નુકસાની વેઠવાનો વારો આવતો હોવાના આક્ષેપો કરાયા હતા.ગણદેવીના મેંધર, ભાટ સહિતના ગામોમાં ઘણાં ગેરકાયદેસર ઝીંગા ઉદ્યોગના તળાવ આવેલા છે. ગ્રામજનો જણાવ્યા અનુસાર બે તળાવો વચ્ચે ચોક્કસ પ્રમાણમાં ખુલ્લી જગ્યા રાખવાની જોગવાઈ છે.પરંતુ ઝીંગા તળાવને લઈને હાલમાં આવી કોઈ ખુલ્લી જગ્યાઓ રાખવામાં ન આવી હોવાને લઈને અનેક સમસ્યાઓ ઉદભવે છે.
મહત્વનું છે કે બિનઅધિકૃત રીતે જીંગા તળાવના નામે કરાયેલા દબાણ બાબતે કાર્યવાહી કરવા ગામના સરપંચો દ્વારા માગ કરવામાં આવી છે.ગણદેવીના કાંઠા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ હોવાનું જણાવાઈ રહ્યું છે.છ મહિના પહેલા પણ આ જ સમસ્યાને લઈને આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ફરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.અનઅધિકૃત રીતે થયેલા દબાણને કારણે ખેતી પાક અને ઢોરને પણ વરસાદમાં નુકસાન થતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
https://youtu.be/-DeWuW7VWao?si=epD3q1BL2cNam-BC
વરસાદી પાણી નિકાલ અને અંતર્ગત સમસ્યાઓ માટે કાંઠા ગામોના નાગરિકોના ફરી એકવાર પ્રયત્ન
ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં વસવાટ કરતા ગામોના નાગરિકોએ તેમની મુખ્ય સમસ્યા વરસાદી અને રેલના પાણીના નિકાલ માટે ઘણીવાર રજૂઆત કરી છે. આ સમસ્યાના કારણે ગામોમાં ધરવખરી તેમજ ખેતી પાકને ભારે નુકસાન થાય છે, પશુપાલન તેમજ વાહનોની અવરજવર માટે વિઘ્ન ઉભા થાય છે, અને ગામનું સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થાય છે.
ગામના નાગરિકો દ્વારા રજૂ કરાયેલ મુખ્ય સમસ્યાઓમાં દરિયાઈ ખાડીના તળાવોના અતિક્રમણો અને તેનાથી ઉભા થતા અવરોધનો સમાવેશ થાય છે. તળાવોની અયોગ્ય બાંધકામ પદ્ધતિ અને વરસાદી પાણી કે રેલના પાણી વહેવાના માર્ગોના અવરોધને કારણે આ સમસ્યાને ઉકેલવામાં મુશ્કેલી આવી છે. સરકારી વિભાગો દ્વારા આ મુદ્દા પર પૂરતી કાર્યવાહી ન થતી હોવાનો આરોપ છે.
નાગરિકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને વારંવાર રજૂઆત કરી છે. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ તળાવ બાંધકામ અને અવરોધોને દૂર કરવા કોઈ સમાધાનકારી પગલાં લેવામાં આવ્યા નથી.
સ્થાનિક પિયત સહકારી મંડળી અને સરપંચોની સાથે ગામના નાગરિકોનું માનવું છે કે સ્થિતિના કાયમી ઉકેલ માટે મક્કમ અને તાત્કાલિક પગલાં જરૂરી છે. સરકારી વિભાગો દ્વારા અવરોધરૂપ તળાવો અને અતિક્રમણો દૂર કરવા માટે નિયામક પગલાં લેવામાં આવે અને પાણી નિકાલ માટે વ્યવસ્થિત માર્ગો બનાવવામાં આવે તે માટે સહયોગ આપવાની માગણી કરવામાં આવી છે.
આ મુદ્દો કાંઠા વિસ્તારમાં સૌથી અગત્યનો અને પડકારરૂપ છે, જે ગામના નાગરિકોના જીવન પર સીધી અસર કરે છે. તાત્કાલિક અને અસરકારક હલ આપવું એ સર્વપ્રથમ પ્રાથમિકતા છે.