ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ જાહેર: નવસારીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરાઈ
- Local News
- May 28, 2025
- No Comment
રાજ્યમાં લાંબા સમય બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ રહી છે. છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે. પરંતુ હવે જૂન માસ રાજ્યમાં 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે.ગુજરાતની 8327 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગ્રામપંચાયતની મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી વિભાજન તેમજ પેટા ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે.

ગ્રામપંચાયતની આ ચૂંટણી માટે 22 જૂને( સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી) મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીમાં મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ કરાશે. 2 જૂને જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.

રાજયમાં 8327 ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર અને પેટા ચૂંટણી થશે
રાજ્ય ચૂંટણી પંચે આજે જે 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી છે. તેમાં 4688 ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર અને વિભાજન ચૂંટણી જ્યારે 3638 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી યોજાશે. જેમાં 5115 સરપંચ પદ માટેની ચૂંટણી થશે. કુલ 44,850 વોર્ડની ચૂંટણી થશે. જેના માટે 16,500 મતદાન મથકો ઉભા કરાશે જેમાં 28,300 મતપેટીનો ઉપયોગ કરાશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
સરપંચ પદનો ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે?
ગુજરાતમાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં 12 વોર્ડની ગ્રામ પંચાયત હોય તો 15 હજારની મર્યાદા, 13 થી 22 વોર્ડ હોય તો 30 હજાર અને 23 વોર્ડથી વધુ હોય તો 45 હજારની મર્યાદામાં ખર્ચ કરી શકાશે. વોર્ડના સભ્યો માટે ખર્ચની કોઈ જોગવાઈ નથી.
OBC અનામતના કારણે ચૂંટણી પ્રક્રિયા અટકી હતી
ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.
ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે.
નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે જૂન માસમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ જાહેરાત કરાઈ છે. નવસારી જિલ્લામાં 6 તાલુકામાં કુલ 366 ગ્રામ પંચાયતો આવેલી છે. જે માંથી સામાન્ય,મધ્યસત્ર,વિભાજન હોય તેવી 56 ગ્રામ પંચાયત ચૂંટણીઓ યોજાશે.નવસારી જિલ્લામાં 82 ગ્રામ પંચાયત ખાલી પડેલ જગ્યાઓ માટે પેટા ચૂંટણીઓ યોજાશે.નવસારી જિલ્લામાં કુલ 138 ગ્રામ પંચાયત સામાન્ય તથા પેટા ચૂંટણીઓ યોજાશે.ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાની સાથે જ ગુજરાતમાં ચૂંટણી આચારસંહિતા લાગુ પડશે.