“તીસરી ગલી ગેંગના છ આરોપીઓનો પોલીસે ‘વરઘોડો’ કાઢયો: નવસારી પોલીસનું ગુનેગારો વિરુદ્ધ શૂન્ય સહિષ્ણુતા વલણ”
- Local News
- August 5, 2025
- No Comment
નવસારી જિલ્લા પોલીસે ગુનેગારો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ‘તીસરી ગલી ગેંગ’ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આજે બીલીમોરા શહેરમાં આ ગેંગના છ આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓને એમ.જી. રોડથી લઈને શહેરના વિવિધ વિસ્તારોમાંથી પગપાળા ફેરવવામાં આવ્યા હતા.
https://youtu.be/m8OO4zW7i5g?si=UQiz2eIG9jL9s2Zb
પોલીસે ડેપોથી તીસરી ગલી સુધી આરોપીઓને પગપાળા લઈ જઈ શહેરજનોને જાહેર સંદેશ આપ્યો કે અપરાધી તત્વો માટે હવે કોઈ છૂટછાટ નહિ મળે. આ પગલાથી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પ્રતિબદ્ધતા દાખવીને નાગરિકોમાં વિશ્વાસ અને ભયમુક્ત વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.

ગેંગ પર GUJCTOC હેઠળ ગુનો નોંધાયો છે.
નવસારી જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી સક્રિય આ સંગઠિત ગુનાખોરી ટોળકી વિરુદ્ધ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, 2015 (GUJCTOC) હેઠળ ગુનો નોંધાયો છે. ટોળકીની દહેશત એટલી હતી કે સામાન્ય નાગરિકો તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ડરતા હતા.
ગેંગના મુખ્ય સરગના સહિત 7 સભ્યો ઝડપાયા
ગેંગનો મુખ્ય દાવેદાર અમીન અનવર શેખ (ઉ.વ. 42) છે. તે ખૂન, અપહરણ, ધાડ, બળાત્કાર અને ખૂનની કોશિષ જેવા ગંભીર ગુનાઓમાં સામેલ રહ્યો છે. તેની સાથે અન્ય આરોપીઓમાં રોનક ઉર્ફે બોબડો ગિરીશભાઈ પટેલ (ઉ.વ. 24), કેવીન નિલેશભાઈ પટેલ (ઉ.વ. 27), મનોજ ઉર્ફે પદ શિવાજી પાટીલ (ઉ.વ. 35), ગૌરવ રાજેશ ચોટલીયા (ઉ.વ. 30) અને માઝ ફકરૂદીન શેખનો સમાવેશ થાય છે. વધુમાં મહમદ સાબીર ઈસરાફીલ અંસારીને પણ પકડી લેવામાં આવ્યો છે.આ તમામ સામે ખૂન, ખૂનની કોશિષ, અપહરણ, ધાડ, બળાત્કાર, મારામારી, પ્રોહીબિશન સહિત કુલ 42 ગુનાઓ નોંધાયેલા છે.

એસઆઈટી દ્વારા કાર્યવાહી, ડીવાયએસપી ગોહિલને નેતૃત્વ સોપાયું
આ સમગ્ર મામલાની તપાસ માટે જિલ્લા પોલીસ અધિક્ષકે વિશેષ તપાસ ટીમ ની રચના કરી હતી, જેમાં ચીખલીના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ વી.ગોહિલના નેતૃત્વમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસની અસરકારક કાર્યવાહીથી નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરાઈ
આ ઘટનાથી નવસારી જિલ્લામાં ગુનેગારો માટે કડક સંદેશો ગયો છે. તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં આવા પગલાઓ મહત્વપૂર્ણ બની રહ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી સામાન્ય નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના મજબૂત બનશે, તેવો આત્મવિશ્વાસ પણ પોલીસ વિભાગે વ્યક્ત કર્યો છે.