શેરડીની એક આંખના ટુકડામાંથી રોપાઓ તૈયાર કરવાની નવીન પ્રાકૃતિક પદ્ધતિ વિકસાવતા નવસારી જિલ્લાના કુંભાર ફળીયા ગામના જીતુભાઈ પટેલ
- Uncategorized
- August 19, 2025
- No Comment
દક્ષિણ ગુજરાતના ખેડૂતો જાતે રોપાઓ બનાવે તો મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી આવતા રોપાઓનું લાખોનું હુંડિયામણ બચી શકે છેઃ મોટા પાયે રોજગારીનું સર્જન થઈ શકે છેઃ જીતુભાઈ પટેલ
દક્ષિણ ગુજરાતમાં શેરડી એ લાંબાગાળાનો રોકડીયો પાક છે. ખેડૂતો શેરડીના બિયારણની રોપણી કરી અલગ અલગ રીતે ખેતી કરે છે. નવસારી જિલ્લાના કુંભાર ફળીયા ગામના ગોપીવાડી ફળીયામાં રહેતા પ્રગતિશીલ ખેડૂત જીતુભાઈ પટેલે પ્રાકૃતિક રીતે શેરડીના કટકા કલમ પદ્ધતિથી એક આંખના રોપાઓ તૈયાર કરવાની નવીન પદ્ધતિની શોધ કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે. છેલ્લા વર્ષ દરમિયાન ૪૦ લાખ નંગ રોપાઓ તૈયાર કરીને એક કરોડનું માતબર વેચાણ કર્યું છે.

ચિત્રકળાના શિક્ષકની નોકરી છોડી કંઈક નવું કરવાની તમન્ના સાથે જીતુભાઈએ શેરડીના રોપા બનાવવા માટેની નવીન પદ્ધતિ અપનાવી છે. તેઓ કહે છે કે, સુરત-નવસારી સહિતના જિલ્લાઓમાં મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતેથી શેરડીના રોપાઓ આવે છે. સ્થાનિક ખેડૂતો અઢી રૂપિયાના ભાવે રોપાઓ મંગાવે છે. જો દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ જાતે જ રોપા બનાવવા શરૂ કરે, સ્થાનિકકક્ષાએ મોટા પાયે રોજગારીનું સર્જન થઈ શકે છે.

જીતુભાઈ જણાવ્યું હતું કે આ શેરડીના રોપાઓ (ટીસ્યુ) પદ્ધતિથી વેચાણ કરીને વર્ષે દહાડે ૪૦ લાખ નંગના રોપાઓ તૈયાર કરીને એક રોપો રૂા.૨.૫૦ રૂપિયાના દરે વેચાણ કરીને અંદાજે એક કરોડનું વેચાણ કર્યું છે. પોતાના ખેતરે દરરોજ ૫૦ થી વધુ શ્રમિકો રોજગારી પણ મેળવે છે અને છેલ્લા વર્ષ દરમિયાન શ્રમિકોને રૂા.૧૦ લાખનું ચુકવણું કર્યું હોવાનું તેઓ જણાવે છે.

કૃષિને કલા સમજી પ્રગતિશીલ ખેતી કરતા ખેડૂત જીતુભાઈ પટેલ તેમણે વિકસાવેલી શેરડીના રોપાઓ તૈયાર કરવાની અલાયદી પ્રાકૃતિક પદ્ધતિ વિશે વાત કરતા કહે છે કે, કોકોપીટ ૫૦ ટકા, ૪૦ ટકા કમ્પોસ્ટ ખાતર, ડાંગરની પરાળ ૧૦ ટકાને મિશ્રિત કરીને તૈયાર કરવામાં આવેલી માટીમાં રોપાનો ઉછેર કરવાથી ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ તૈયાર કરે છે. કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી મૂળ મજબુત હોવાથી જર્મીનેશન ખૂબ આવે છે તેમજ રોપણી બાદ મરણનું પ્રમાણ ખુબ ઓછું રહે છે. ઉત્પાદન પણ વધુ આવે છે.

દક્ષિણ ગુજરાતમાં આવતા મોટા ભાગના રોપાઓ મહારાષ્ટ્રમાંથી આવે છે. બહારથી આવતા રોપાઓ તૈયાર કરવા માટે કોકોપીટ તથા રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો હોવાથી તેઓના રોપણી બાદ મરણનું પ્રમાણ વધુ રહે છે.
તેઓ ખેડૂતોને સિંગલ આઈ બર્ડના રોપાઓના વાવેતર વેળાએ બે છોડ વચ્ચે દોઢ ફુટનું અંતર રાખવાની ભલામણ કરે છે. જેના કારણે ફ્રુટ વધુ આવે છે. આ રીતે રોપાણ કરવાથી નિંદણ સરળતાથી દુર કરી શકાય અને ઉત્પાદન ખર્ચમાં કરકસર સાથે ગુણવત્તાસભર વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

શેરડીના રોપા તૈયાર કરવાની પદ્ધતિ વિષે તેઓ કહે છે કે, સૌ પ્રથમ પ્લાસ્ટીકની ટ્રેમાં કોકોપીટ, કમ્પોસ્ટ ખાતર, ડાંગરની પરાળ મિશ્રિત ખાતર ભરવામાં આવે છે. ત્યારબાદ ખેતરમાંથી શેરડી કાપી લાવી તેમાંથી આધુનિક ટેકનોલોજીના મશીન દ્વારા શેરડીની ગાંઠ કાઢી તેને પાણીમાં બોળ્યા બાદ ટ્રે માં મૂકવામાં આવે છે. ત્યારબાદ પ્લાસ્ટીકના કંતાનથી એક સપ્તાહ ઢાંકીને સવાર, બપોર, સાંજ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. ૪૫ દિવસના અંતે ટૂંકા ગાળાના રોપા તૈયાર થઈ ખેડૂતના ખેતર સુધી પહોંચી જાય છે.

આ ટેકનોલોજી અપનાવવાથી સૌ પ્રથમ સો ટકા પ્લાન્ટનું જર્મીનેશન થાય છે. તેમજ સારી ગુણવત્તાવાળા અને મજબૂત રોપા મળે છે. તેમજ કોઈ પણ પ્રકારનો રોગ કે વાયરસનું પ્રમાણ નહીવત આવે છે. ઉપરાંત ઓછા રોપામાં વધારેમાં વધારે વાવેતર થાય છે, અને પાણીની બચત થાય છે. દવાનો ખર્ચ બચી શકે છે એમ તેઓ કહે છે.

મહારાષ્ટ્રથી આવતા રોપાઓમાં ઘાસીયા જળા, ચાબુક આંજીયો જેવા રોગો અહી આવે છે, જે અહી જોવા મળતા નથી. જો સુરત, નવસારી, વલસાડના ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી રોપાઓ તૈયાર કરે તો મોટી સંખ્યામાં સ્થાનિક રોજગારીનું સર્જન થઈ શકે છે. એક રોપો સવા રૂપિયામાં તૈયાર થાય છે અને અઢીથી ત્રણ રૂપિયાના દરે વેચાણ થાય છે. જો ખેડૂતો સ્થાનિક સ્તરે રોપાઓ ઉછેરવા માંગતા હોય તો આ માટેની તાલીમ આપવાની પણ જીતુભાઈએ તૈયારી બતાવી હતી.
શેરડીની એક આંખના ટુકડા કરીને તૈયાર કરવામાં આવતા રોપાથી ન માત્ર ઓછી મહેનતે વધુ ઉત્પાદન મળે છે, બલકે ગુણવત્તા પણ જળવાઈ રહે છે આ વાત જીતુભાઈની કૃષિ પદ્ધતિમાં જીવંત થઇ છે.

સૌથી મહત્વનો ફાળો અળસિયાનો હોવાનું જણાવતા તેઓ કહે છે કે, બેડમાં છાણીયા ખાતર, શેરડીની પરાળ કે અન્ય લીલો કચરો નાખતાની સાથે અળસિયા ટુંકા દિવસોમાં કમ્પોસ્ટ તૈયાર કરે છે, જે આ રોપાઓઓ માટે સંજીવનીનું કામ કરે છે. કમ્પોસ્ટ ખાતરના કારણે ખેતરમાં વાવેલ ભીંડાની ઉચાઈ ૧૫ ફુટ તથા એલચી કેળની ઉચાઈ ૩૫ ફુટ જેટલી થઈ છે.
