
પરંપરાગત વાનગીઓ, નાગલીની અવનવી આઇટમો અને રસોડાનો વ્યવસાય કરતુ નવતાડનું દિવ્ય સાંઇ સખી મંડળ અન્યો માટે પ્રેરણારૂપ નાહરી હોટલ
- Business
- March 7, 2023
- No Comment
ગુજરાત સરકારે વિકાસનો અવિરત માર્ગ પકડીને ગુજરાતે સૌનો સાથ, અને સૌનો વિકાસના વિશ્વાસ સાથે મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપીને મહિલાઓના ઉત્કર્ષ માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. નારી તું નારાયણી પંકિતને રાજય સરકારે ચરિતાર્થ કરી બતાવી છે. સમાજના દરેક ક્ષેત્રે આજે નારીઓ કાઠુ કાઢી રહી છે. ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નવતાડ ખાતેના દિવ્ય સાંઈ સખી મંડળની વાત તો કરવી જ રહી.
દિવ્ય સાંઇ સખીમંડળ વિશે જણાવતા પ્રમુખ પારૂલબેને જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૧માં સખીમંડળની રચના કરવામાં આવી હતી. ૧૧ બહેનોના મંડળે શરૂઆતમાં રૂ.૫૦ની બચત કરતા હતા ત્યાર બાદ રૂ.૧૦૦ અને અત્યારે દર મહિને રૂ.૨૦૦ની બચત કરી સભ્યોએ આ મંડળને આજે સેવાકિય પ્રવૃત્તિમાં આગળ વધારી, બે પૈસા કમાતુ પણ કરી દીધું છે.
વાંસદા સાપુતારા રોડ નવતાડ ખાતે નાહરી હોટેલ નામે પરંપરાગત વાનગીઓનો રસથાળ પીરસતી ગામઠી સ્ટાઇલની આ હોટેલમાં નાગલીના પાપડ, પાપડી, બિસ્કિટ, સેવ, લાડુ, વાંસનુ અથાણું, ગુંદાનું અથાણું, અડદની દાળનું ભુજીયુ, સિઝનલ શાકભાજી સહિત દાળ, ભાત, શાક અને અથાણા, પાપડની ચટાકેદાર વાનગીઓ પ્રવાસીઓને નહિ નફો, નહિ નુકશાનના ધોરણે પીરસવામાં આવે છે. રૂ.૧૦૦માં ડાંગી ડીસ અને ગુજરાતી ડીસ પીરસવામાં આવી છે. દરરોજ ૧૫ થી ૨૦ ડીસનું વેચાણ થાય છે.
જયારે શનિવાર અને રવિવાર તેમજ રજાઓમાં ૪૦ થી ૫૦ ડીસનું વેચાણ થાય છે. દરમહિને અમે અંદાજિત રૂ.૪૦ હજાર થી ૫૦ હજાર કમાઇએ છીએ. કિલાદ કેમ્પ તથા વનિલ ઇકો ડેન સાઇટના ઓર્ડરો તેમજ બહારથી આવતા પ્રવાસીઓના ઓર્ડર પણ મોટા પ્રમાણ મળતા આજે અમારી આર્થિક પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે જેના લીધે આજે અમારા બાળકો સારી શાળાઓમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. પ્રવાસીઓ અહિં બપોરે લંચ લઇને, જઠરાગ્નિની શાંતિનો ઓડકાર લઇ શકે છે. તો વાંસદા અને ડાંગ જિલ્લાની પ્રકૃત્તિને માણવા માટે આવતા પ્રકૃતિપ્રેમી સહેલાણીઓ પણ અહિંનું સાદુ પરંતુ નાવિન્યપૂર્ણ ભોજન આરોગીને સંતોષનો ઓડકાર લે છે.
શરૂઆતમાં ફક્ત ધિરાણ અને બચત પ્રવૃત્તિથી શરૂ થયેલા આ સખી મંડળે ધીમે ધીમે રસોડાના કામો પણ રાખવા માંડયા હતા. એમ મંડળની પ્રગતિનો ચિતાર આપતા પારૂલબેને જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમો લારી પર નાસ્તાનું કામ કરતા હતા ત્યારે અમે બહેનો સપનું જોતા હતા કે આપણે પણ એક હોટેલ બનાવી આપણું અને આપણા પરિવારનું જીવનધોરણ સારૂ બનાવીએે. અમે પણ લારીની જગ્યા પર કયારે હોટેલ બનાવીશું તે વિશે વિચારતા હતા તે દરમિયાન અમોને સરકારશ્રી તરફથી જાહેરાતના આધારે ખબર પડતાં અમો પ્રાયોજના વહીવટદારની કચેરીનો સંપર્ક કર્યો હતો.
આ મંડળને નાહરી હોટેલ કરવા માટે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત પ્રાયોજના વહિવટદારની કચેરી, વાંસદા દ્વારા રૂ.પાંચ લાખની સહાય મળી છે તેમજ રૂપિયા પાંચ લાખની લોન આદિજાતિ વિકાસ નિગમ દ્વારા વાર્ષિક ચાર ટકાના દરે મળી છે. સહાય થકી અમો આજે હોટલ બનાવી શકયા છીએ. આજે અમારું ’’હોટલ’’ બનાવવાનું સપનું સરકારે સાકાર કર્યુ છે તેમ ઉત્સાહભેર પારૂલબેને કહ્યું હતું.
અમોએ દોઢ વર્ષ પહેલા આ મંડળ દ્વારા અહિ નાહરી નામે હોટેલ શરૂ કરીને જરૂરિયાતમંદોને ભોજનની સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે એમ પ્રમુખ પારૂલબેને ઉમેર્યું હતું. આ મંડળની મહિલાઓ તેમના મંડળ દ્વારા ઉત્પાદિત નાગલીની અવનવી વેરાઇટીઓ પણ અહિં વેચાણ કરવામાં આવે છે.
આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત પ્રાયોજના વહિવટદારની કચેરી, અને આદિજાતિ વિકાસ નિગમના પ્રોત્સાહનથી શરૂ થયેલા આ સખી મંડળને અનેકવિધ પ્રવૃત્તિઓમાં જોડવા બદલ આ બહેનોએ રાજ્ય સરકાર અને તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે.