ભારતની નારી શક્તિ નૂતન ભારતના નિર્માણની સહ ભાગીદાર છે
- Local News
- March 7, 2023
- No Comment
કોઇ પણ સમાજની પ્રતિષ્ઠા તે સમાજની નારીની પ્રતિષ્ઠા ઉપર અવલંબે છે. ભારત દેશમાં તો પ્રાચીન કાળથી જ સ્ત્રી સન્માન અને સ્ત્રી દાક્ષિણ્યની ભાવના પ્રચલિત છે જ. વૈદિક ભારતના સુવર્ણ યુગનું રહસ્ય પણ તે સમયની વિદુષી નારીઓ જ હતી. તત્કાલિન મહિલાઓ રાજકીય, સામાજિક અને પ્રશાસનિક જવાબદારીઓની સાથોસાથ ઋષિત્વ અને વર્ચસ્વમાં પણ મોખરે હતી. ઋગ્વેદમાં અને અથર્વવેદમાં ગાર્ગી, સુલભા, કાત્યાયની, અનસૂયા, સાવિત્રી, શ્રૃતવતી જેવી વિદૂષીઓની ગૌરવ ગાથાઓ ભરેલી પડી છે. તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, અહલ્યાબાઇ, પદમીની અને દુર્ગાવતીની શૌર્યગાથાઓ પણ એટલી જ પ્રેરણાદાયી છે. તો આધુનિક યુગમાં કસ્તુરબા, સરોજિની નાયડુ, વિજ્યાલક્ષ્મી પંડિત, લત્તા મંગેશકર, અમૃતા પ્રીતમ, શંકુતલા દેવી જેવા નારીરત્નો કે ૨૧મી સદીના કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, સુધામૂર્તિ, ઇલા ભટ્ટ, ચંદા કોચર, ઇન્દ્રાનૂયી કે નોબલ પારિતોષિક જીતનાર મલાલા એ સ્ત્રીઓની શક્તિને વિશ્વ સમક્ષ લાવીને મૂકી દીધી છે. સ્ત્રી શક્તિને કોઇએ ઓછી આંકવાની ભૂલ ન કરવી જોઇએ.
વિશાળ હિંદુસ્તાન પર કાળક્રમે શક, હૂણ, કુશાણ, મોગલ, બ્રિટીશ વગેરે સંસ્કૃતિઓનું આક્રમણ થતાં સ્ત્રીઓનો દરજ્જો થોડો નીચે ઉતર્યો. પરદાપ્રથા, સ્ત્રીઓને શિક્ષણથી અમુક પ્રકારના અધિકારથી વંચિત રાખવી, સ્ત્રીઓને પુરૂષની તુલનામાં નિમ્ન ગણવી વગેરે બાબતોમાં દિન-પ્રતિદિન વધારો થતો ગયો. પરંતુ આદિકાળથી પુરૂષપ્રધાન સમાજમાં પુરૂષોનું જ આધિપત્ય વિશેષ રહ્યું છે. હંમેશાં બીજા ક્રમે જ રહેનાર નારી અનેકવાર શોષણ, જુલમ અને અત્યાચારોની શિકાર બનતી આવી છે. સમયના પ્રવાહની સાથે કેટલીક જાગૃત મહિલાઓ, મહિલા સંગઠનો એ નારી ઉપર થતા અત્યાચારો સહન કરવાને બદલે તેની સામે જેહાદો જગાવી, અન્યાયની સામે જબરજસ્ત ક્રાંતિના શ્રીગણેશ માંડયા. મહિલા અધિકારીતાનો શંખ ફુંકાયો. આ ઝૂંબેશના પરિણામ રૂપ દર વર્ષે ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી શરૂ કરવામાં આવી. ૮મી માર્ચે, ૧૯૯૬ના રોજ લોકસભામાં અને રાજ્યસભામાં મહિલાઓના દરજ્જામાં સુધારાની વાત ઠરાવ પસાર કરીને વિચારાઇ.
અધિકાર અને કર્તવ્ય બન્ને મુલ્યો એ સ્વયંસિદ્ધ ચીજ છે .સ્ત્રી એટલે એણે માત્ર કર્તવ્ય જ બજાવે એવું જ હવે શકય નથી! કર્તવ્યની સાથોસાથ તેને અધિકાર પણ મળવો જોઇએ. ગૌરવપૂર્ણ સમાજ રચના માટે સ્ત્રી-પુરૂષ સમાનતા અનિવાર્ય છે. સ્ત્રી અધિકારનો નાદ હજી પૂર્ણ પણે ગાજ્યો નથી. ૨૧મી સદીમાં પ્રત્યેક ક્ષેત્રે પરિવર્તનનો જબરજસ્ત પવન ફુંકાઇ રહ્યો છે. સામાજિક માળખામાં અને માન્યતાઓમાં શિક્ષણના પ્રચાર અને પ્રસારને લીધે પરિવર્તન આવ્યાં છે. સ્ત્રી દરેક ક્ષેત્રમાં સ્વયંસિધ્ધા બની છે, નારી પુરૂષ સમોવડી નહિ પણ સ્વસમોવડી બની છે. પરંતુ મહિલા અધિકારીતાનો કાયદો માત્ર કાયદો બની ને જ રહી ગયો છે. તેનો સુચારો અમલ થવો જોઇએ.
મહિલા ઉત્થાન માટે વિશ્વસ્તરે થઇ રહેલ પ્રયત્નો મુજબ મહિલાઓને અધિકારો આપી દેવાથી માત્ર નહિ ચાલે. અધિકાર વિશેની સમજ તથા તેના હનન વખતે કયાં દાદ માંગવી, ફરિયાદ કરવી તે પણ મહિલાઓને સમજાવવું પડશે.
કુદરતે સ્ત્રીને આ પૃથ્વી પર જીવન આપીને મોકલે છે તે કોઇ પુરૂષના પુરોહિતપણ હેઠળ નથી મોકલતી. સ્ત્રી અને સર્જનહારનો સીધો સંબંધ છે અને સ્ત્રીને પોતાના દેહ પર, પોતાના જીવન પર પોતાનો સ્વતંત્ર એવો પૂરેપૂરો અધિકાર છે. સ્ત્રીના આ સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર પ્રત્યેકે કરવો જ રહ્યો. નેશનલ કમિશન ફોર વુમેન અને લોયર્સ કલેકટીવ કહે છે કે, શારીરિક ઉપરાંત મહિલાઓની માનસિક શાંતિ છીનવી લે તેવી પુરૂષોની વૃત્તિને રોકવા વધુ પ્રયત્નો થવા જોઇએ .સ્ત્રીએ આજે તેના અધિકારો માટે જાગૃત બનવું જ રહ્યું. અફસોસ તો એ વાતનો છે કે મોટાભાગની સ્ત્રીઓને જ ખબર નથી હોતી કે તેમને કાયદા કે ન્યાયતંત્ર દ્વારા શું અધિકારો મળે છે ?
ભારતની સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સ્ત્રીઓને ૫૦ ટકા અનામત આપવાની જોગવાઇ કરી છે જેના અમલથી મહિલાઓનું રાજકીય ક્ષેત્રે પ્રદાન વધ્યું છે. માત્ર કાયદાકીય અધિકારો સ્થાપવાથી સ્ત્રીઓની સ્થિતિ સુધરી જશે ખરી? કાયદા દ્વારા અધિકારની સાથોસાથ જરૂરત તો છે પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચે સંવાદિતા જળવાય, એક બીજા વચ્ચે સમજ- સાચી સમજ કેળવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની. લગ્નનાં ઘણાં વર્ષો એક જ છત નીચે સાથે વિતાવ્યા હોવા છતાં ઘણાં યુગલોમાં સાચું સાયુજય જોવા મળતું નથી. સંસાર રથના ચક્રના મુખ્ય આધાર સમી નારીએ પોતે પોતાનું મહત્વ પ્રસ્થાપિત કરવું પડશે અને તો જ તે સ્વતંત્ર માનવ તરીકેના અધિકાર મેળવી શકશે.
દરેક મહિલાની અને સ્ત્રી સંગઠનની પ્રથમ ફરજ એ રહેશે કે ‘‘સ્ત્રી ” ને વ્યક્તિ તરીકે સ્વીકારી, એના આત્મગૌરવ માટે અધિકાર આપવામાં, પ્રમાણસરનું પ્રતિનિધિત્વ આપવામાં અને દરેક ક્ષેત્રમાં તબક્કાવાર સમર્થન આપવામાં જે કાયદાકીય ગૂંચ હોય તે સત્વરે દૂર થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ. ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિને સમાજ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નારી સંગઠનોએ નારીને મળેલ કાયદાની દ્રષ્ટિએ સમાન હક્કો અને વિશિષ્ટ કાયદાની જોગવાઇ હેઠળ મળતા રક્ષણ પૂરતો પોતાનો દ્રષ્ટિકોણ સીમિત ન રાખતાં વૈશ્વિક સમાજની દ્રષ્ટિમાં આમૂલ પરિવર્તન લાવવું પડશે તથા જીવન મૂલ્યોને અનુરૂપ સમાજ પદ્ધતિ દાખલ કરશે તો જ વિશ્વ ફલક પર ઉજવાતો ૮મી માર્ચ ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” સાચા અર્થમાં સાબિત થશે.
વિકસીત અને વિકાસશીલ દેશોમાં કન્યા કેળવણીમાં ઉત્સાહજનક વધારો થઇ રહ્યો છે. બ્રિટન, ફ્રાન્સ, જાપાન, સ્વીત્ઝરલેન્ડ અને સ્વીડન જેવા દેશોમાં માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓ કરતાં કન્યાઓની સંખ્યા વધુ જોવા મળે છે. એક સર્વેક્ષણ દ્વારા એવું નોંધાયું છે કે જે દેશમાં કન્યા કેળવણીનો દર નીચો છે તે દેશોમાં માથાદીઠ સરેરાશ આવકનો દર પણ નીચો રહ્યો છે. એશિયા મહાદ્વિપમાં જાપાન કન્યા કેળવણીમાં મોખરે છે. જ્યારે ભારતમાં આ દર ઓછો છે. સ્ત્રી કેળવણીની દિશામાં નેપાલ, અફઘાનિસ્તાન અને સોમાલિયા સૌથી પાછળ છે. શાશ્વત જાગૃતિ, સામાજિક ચેતના અને સામાજિક પ્રબોધન એ મહિલા અત્યાચારો સામેની આદર્શ ઝુંબેશ છે. સ્વાભાવિક રીતે જ જાગૃતિ આણવા માટે પ્રશિક્ષણ, કાનુની શિક્ષણ-શિબિરો, મહિલા સ્વાવલંબન પ્રવૃત્તિઓને વ્યાપ વધારવો, પછાત વિસ્તારમાં પ્રાદેશિક હુન્નર અને કલાનો વિકાસ ખૂબ ઉપયોગી છે, આરોગ્ય ક્ષેત્રે પણ બાળકી, કન્યા કે મહિલા પૂરતી જાળવણી થતી નથી હોતી તેથી આરોગ્ય વિષયક જાણકારી અને તેનો અમલ કરવો મહિલા સંગઠનો માટે આવશ્યક બાબત છે. ગર્ભ પરિક્ષણના અને તેમાં દિકરી જન્મવાની જણાય તો ગર્ભપાત કરાવવાનું કાર્ય આજકાલ આપણા સમાજમાં એટલી હદે વકર્યું છે કે કદાચ અમુક વર્ષો પછી પુરૂષો કરતાં સ્ત્રીઓ ઓછી હશે! આ બાબતમાં મહિલાઓએ પોતે જ નૈતિક તાકાત અને હિંમત દાખવવી પડશે.
આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કે. આર. નારાયણ એવું જણાવ્યું હતું કે, ‘‘મહિલાઓના હક્કો એ વાસ્તવમાં માનવ હક્કો અને એનો એ જ રીતે આદર થવો ઘટે” જે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને કેટલું બધું સૂચક છે!
વિવિધ ધર્મના વ્યક્તિગત કાયદામાં રહેલી અસમાનતાઓ દુર કરવાની પ્રત્યેક રાજ્ય સરકારની ફરજ છે. અને આ દિશામાં આપણા દેશમાં મહત્વના પગલાં ભરવામાં આવ્યાં છે. તાજેતરમાં ભારતીય બાળક માટે શાળામાં પ્રવેશ મેળવતી વખતે ભરવામાં આવતા વિવિધ ફોર્મમાં બાળકના પિતાના નામની સાથે માતાનું નામ જણાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતમાં રાષ્ટ્રીય મહિલા પંચની રચના પણ કરવામાં આવી છે -એ ભારતીય નારી માટે ગૌરવની બાબત છે.
દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘‘સ્ત્રી શક્તિ પુરસ્કાર” એનાયત કરવા યોજાયેલા સમારંભમાં પ્રધાન મંત્રી શ્રી અટલ બિહારી વાજપેઇએ પુરસ્કાર વિજેતા મહિલા ચીન્ના પીલ્લાઇના ચરણ સુધી નમીને પ્રણામ કર્યા ત્યારે ઉપસ્થિત તમામ પ્રેક્ષકો પ્રધાન મંત્રીશ્રીની સ્ત્રી સન્માનની ભાવના જોઇ દંગ થઇ ગયા હતા. ભારતીય મહિલાઓ માટે આ અનેરો અવસર હતો. અને સ્ત્રી સમાનતાની વાતો કરતા પશ્ચિમના વિચારોકને આ લપડાક હતી. ભારતમાં આમ આઝાદી પછી મહિલાઓનું સ્થાન સમાજમાં તમામ રીતે ઉન્નત બનાવવાના સંનિષ્ઠ પ્રયાસો થાય છે.
નવા મિલેનીયમ અને ૨૧મી સદીની શરૂઆતમાં અનેક નવા પરિવર્તનો વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આવી રહ્યાં છે. વિશ્વ એક નાના ગામના પરિવારની જેમ નજીક આવી રહયું છે. તેવે સમયે સત્તામાં સ્ત્રીની ભાગીદારી નવા વિશ્વને અને નવા ભારતને એક નવો સામાજિક-સાંસ્કૃતિક ઓપ આપી રહી છે. સાથે સાથે સ્ત્રીએ સ્વનિર્ભર, આત્મવિશ્વાસથી ભર્યા ભર્યા અને નિર્ણયશક્તિને દ્રઢ બનાવવા તરફની ઉડાન પણ શરૂ કરી દીધી છે. હવે જરૂર છે આ બધું સિધ્ધ કરવા મા ટેસ્ત્રીએ પોતાની જાતને પ્રેમ કરતાં શીખવાની. સ્ત્રી પ્રકૃતિનું એવું સર્જન છે જેને વિપરીત પરિસ્થિતિ સળગતા અંગારાની પીગળાવી નાખે છે. તેમાં તપાઇને બહાર આવેલી સ્ત્રી ધગધગતા અંગારાની જેમ હવે વિપરીત પરિસ્થિતિને માખણની જેમ ઓગાળી નાખે છે. નિઃસંદેહ ભારતીય નારી પોતાની નવી જવાબદારી અને ઉભા થનાર નવા પડકારો ઝીલવા કટિબધ્ધ બની જ છે, તો આવો આજે ૮મી માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિને કહીએ.
‘‘ચલો આજ બહેનો ઉઠાવી લ્યો લંગર,
સમુંદરની અંદર ઝુકાવી ધ્યો કસ્તી,
જમાનાને કહીદો કે શક્તિ સજી છે,
સામનો કરવાની કમર કસી છે”