“જેનરિક દવાઓ ગુણવત્તાયુક્ત, અસરકારક અને બ્રાન્ડેડ દવાઓની સરખામણીએ ૭૦ ટકાથી વધુ સસ્તી”બીલીમોરા ખાતે “જન ઔષધિ દિવસ”ની ઉજવણી કરાઈ
- Local News
- March 7, 2023
- No Comment
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) સહિત વધુ એક પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જનસામાન્ય માટે આશિર્વાદરૂપ બની છે. આજરોજ બીલીમોરાના શ્રી પ્રજાપતિ વિધાર્થી આશ્રમ અને સાંસ્કૃતિક ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરની અધ્યક્ષતામાં “જન ઔષધિ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો હેતુ જનઔષધિ યોજના વિશે જન-જાગૃતિ વધારી જેનરીક દવાઓને પ્રોત્સાહન પુરું પાડવાનો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરે જણાવ્યું કે, તંદુરસ્ત સ્વાસ્થ્યને માનવજીવનના વિવિધ સુખોમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રવર્તમાન સમયમાં બજારમાં મળતી બ્રાન્ડેડ દવાઓની ઉંચી કિંમત સામાન્ય અને મધ્યમ વર્ગને પહોંચી શકાય તેમ ના હોય માટે આ પરિયોજના આશીર્વાદ સમાન છે માન.વડાપ્રધાન ખાસ પહેલ પર પાંચમો જન ઔષધી દિવસ દર વર્ષની જેમ ૭ મી માર્ચે-૨૦૨૩ નો ઉજવાઈ રહ્યો છે. આમ જનતામાં જેનેરિક દવાઓ વિષે સમજ કેળવાય તે હેતુથી સસ્તી દવાઓ અને સારી દવાઓ થીમ પર નવસારીના આંગણે ઉત્સવ ઉજવાય રહ્યો છે .

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્ર રંગુનવાલા સાહેબે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જેનેરિક મેડિકલ સ્ટોરોમાં ઉપલબ્ધ ડાયાબિટીસ, બ્લડપ્રેસર, કેન્સર તથા અન્ય ઘણા રોગોની દવાઓ વિશે માહિતી આપી.દવાની ગુણવત્તા અને અસરકારકતા વિશે માર્ગદર્શન આપ્યું.
ગણદેવી પીપલ્સ બેંકના ડિરેક્ટર અને દવાના વિક્રેતા પ્રજ્ઞેશભાઈએ જણાવ્યું કે જેનેરિક દવાઓ પણ સારી ક્વોલીટીની જ હોય છે, તેની અસરકારકતા પણ બ્રાન્ડેડ દવાઓ જેવી જ હોય છે.
મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવોએ જનઔષધિ યોજના અંગે જન-જાગૃતિ વધારવા સહિત જેનરિક દવાઓને પ્રોત્સાહિત કરીને પોતાના પ્રતિભાવો અને જેનરિક દવાઓના ઉપયોગ અંગે હોલમાં ઉપસ્થિત સૌને માર્ગદર્શિત કર્યા હતા.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સરેરાશ રૂ.૪૫૦ કરોડથી વધુના ખર્ચે જુદી જુદી ૬૫૦ થી વધુ આવશ્યક જેનેરિક દવાઓ વિના મુલ્યે ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે.
દેશમાં આશરે ૯૦૮૨ અને ગુજરાતમાં ૫૧૮ જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના કેન્દ્રો કાર્યરત છે. નવસારી જિલ્લામાં હાલ પાંચ જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે જેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા પ્રજાજનોને અનુરોધ કરાયો હતો.
આ પ્રસંગે કાર્યક્રમમાં ઈન્ચાર્જ કલેક્ટર કેતન જોશી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, પ્રાંત ઓફિસર અમિતભાઈ ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્ર રંગુનવાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મયંક ચૌધરી, તાલુકા પંચાયતના સભ્યો અન્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.