
નવસારીમાં આયોજિત રામકથાના ચોથા દિવસે વિશેષ ઉપસ્થિત રહી કથા શ્રવણ કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
- Local News
- March 25, 2023
- No Comment
રામકથામાં શ્રીરામના જીવન ચરિત્ર આધારિત કથાનું શ્રવણ મનુષ્ય આત્માને અલૌકિક શાંતિ તેમજ આદ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ કરાવે છે: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
નવસારીના લુન્સીકુઇ મેદાન ખાતે આયોજિત પૂ.મોરારીબાપુની રામકથાના આજે ચોથા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિશેષ ઉપસ્થિત રહી પૂ.મોરારીબાપુની રામકથાનું શ્રવણ કર્યું હતું. તેમણે રામકથા મર્મજ્ઞ પૂ. મોરારીબાપુના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. રામ કથાના ચોથા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રોતાજનો કથાશ્રવણનો લાભ લેવા ઉમટી પડયા હતાં.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ પૂ.મોરારીબાપુના પાવન હસ્તે અભિવાદન સ્વીકારી શ્રોતાઓને સંબોધતાં જણાવ્યું હતું કે, પૂ. મોરારીબાપુની કથા એટલે સત્ય, પ્રેમ અને કરૂણા. છેલ્લા ચાર દાયકાઓથી વ્યાસપીઠ પરથી રામજીવનને જન જન સુધી પહોંચાડવાની અવિરત સેવા પૂ. મોરારીબાપુના દ્વારા ધર્મ, કલા અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવા સાથે થઈ રહી છે. આજે પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં કથાશ્રવણ કરવાનું સૌભાગ્ય મળ્યું એ જીવનમાં ચેતનાની ક્ષણ બની છે.
વધુમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે રામકથામાં શ્રીરામના જીવનચરિત્ર આધારિત કથાના શ્રવણ થી મનુષ્ય આત્માને અલૌકિક શાંતિ તેમજ આદ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ થાય છે. સૌ ભાવિક શ્રોતાઓ માટે દિવ્ય અવસર બની રહે એવી રામભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ લાલવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામકથાના સુંદર આયોજન કરી નવસારીના લોકો સુધી પૂ.મોરારીબાપુની રામનામને, આદર્શ રામ-વિચારોને જનજન સુધી પહોંચડાવાની વિશેષ લોકસેવાને બિરદાવી હતી.
પૂ.મોરારીબાપુએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવેલ વૃક્ષારોપણના સંકલ્પ તથા સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી સતત સેવાકીય કાર્ય કરવાના આશીર્વાદ આપ્યા હતા.
આ અવસરે વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ , જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીર, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, નવસારી પોલીસ અધિક્ષક કિરણસિંહ વાઘેલા ,ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, સુરત ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ , નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં શ્રોતાજનો, રામભક્તો ઉપસ્થિત રહયાં હતાં.