
ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ નવતાડ રેંજનાં યુવાન આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનું હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થતા શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.
- Local News
- March 25, 2023
- No Comment
પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં કાલીબેલ રેંજમાં કર્તવ્યનિષ્ઠ ફરજ બજાવનાર આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈની બે વર્ષ પૂર્વે ડાંગ દક્ષિણ વન વિભાગ આહવાનાં વાંસદા નેશનલ પાર્કનાં નવતાડ રેંજમાં બદલી થઈ હતી.નવતાડ રેંજનાં યુવાન આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈ આજરોજ ઘરેથી ઓફીસ જઈ રહ્યા હતા તે દરમ્યાન તેઓનું હાર્ટ એટકથી મોત નિપજતા ડાંગ વન વિભાગને એક યુવાન અને બાહોશ અધિકારીની ખોટ લાગી છે.
ડાંગ દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ વાંસદા નેશનલ પાર્કનાં નવતાડ રેંજમાં આર.એફ.ઓ તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવનાર સુનિલભાઈ દેસાઈ નવસારી(ચીખલી)નાં વતની હતા.આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનું હાર્ટ એટકનાં પગલે નિધન થવાનાં સમાચાર ડાંગ જિલ્લાનાં વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓને થતા દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્ના,ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારી,એ.સી.એફ.આરતી ડામોર,નિલેશભાઈ પંડ્યા સહિત અન્ય રેંજનાં કર્મચારીઓનો કાફલો નવતાડનાં વાંસદા નેશનલ પાર્ક ખાતે દોડી ગયો હતો.
હાલમાં નિધન પામેલ આર.એફ.ઓ સુનિલભાઈ દેસાઈનાં પાર્થિવ દેહને પી.એમ કરાવી માદરે વતન ચીખલી લઈ જવાની તજવીજ હાથ ધરાઈ છે.ડાંગ જિલ્લાનાં વન વિભાગમાં દરેક કર્મીઓ જોડે સહાનુભૂતિ પૂર્વક વર્તન રાખનાર બાહોશ આર.એફ.ઓનું નિધન થતા ડાંગ જિલ્લાનાં વન વર્તુળમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.