
કુટીર જ્યોત યોજના અંતર્ગત નવસારી જિલ્લાના સુખાબારી ગામના ભગવતીબહેન પટેલનાં ઘરે પથરાયું અજવાળું
- Local News
- April 10, 2023
- No Comment
“ગુણવત્તાસભર અને સાતત્યપૂર્ણ વીજળી મળવાથી બાળકોનો અભ્યાસ તથા ઘરના રોજીંદા કામો સરળ બન્યા છે” ભગવતીબહેન પટેલ જેઓ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પીપલખેડ વિસ્તારમાં રહેતા અન્ય લોકોને દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ૧૮૩ લાભાર્થી-કુટુંબોને વિનામૂલ્યે વીજ કનેક્શન અપાયા
સરકારની ‘કુટીર જ્યોત યોજના’ હેઠળ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને પાયાની તમામ સુવિધાઓ મળે તે અંતર્ગત લાભાર્થી પરિવારોને વિના મૂલ્યે વીજ જોડાણ આપવામાં આવી રહ્યાં છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પીપલખેડ સબ ડિવિઝન દ્વારા ‘કુટીર જ્યોત યોજના’ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં બી.પી.એલ. લાભાર્થી-પરિવારો તથા અન્ય ગરીબ લાભાર્થીઓ તેવા ૧૮૩ કુટુંબોને વિનામૂલ્યે વીજ જોડાણ આપવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પીપલખેડ સબ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં આવતું સુખાબારી ગામના લાભાર્થી ચંદ્રકાંત પટેલના પરિવારે વિનામૂલ્યે વીજજોડાણ મળવાથી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમના પત્ની ભગવતીબહેન પટેલ જણાવ્યું કે સરકાર દ્વારા ગુણવત્તાસભર અને સાતત્યપૂર્ણ વીજળી મળવાથી અમારા બાળકોનો અભ્યાસ તથા ઘરના રોજીંદા કામો સરળ બન્યા છે. બાળકો હવે રાત્રે પણ સરળતાથી અભ્યાસ કરી શકે છે. દિવસ દરમિયાન રસોઈ માટે મિક્ષર, પંખા અને ઈસ્ત્રી જેવા ઉપકરણોનો ઉપયોગ સરળતાથી થઇ શકે છે.
આગામી દિવસોમાં પણ બી.પી.એલ. પરિવારોને વધારે વીજ જોડાણ વિનામૂલ્યે મળી રહે તે માટે વીજ કંપની સદા કાર્યશીલ છે તેમ પીપલખેડ સબ ડિવિઝન નાયબ ઈજનેર ડી.જે.ગાવિતે જણાવ્યું હતું. તેમજ, તેઓએ ઉમેર્યું હતું કે હયાત વીજ લાઈનથી ૩૦ મીટરના અંતરે ‘કુટીર જ્યોત યોજના’ અંતર્ગત વિનામૂલ્યે વીજ જોડાણ આપવામાં આવે છે. જેની કચેરી-કાર્યવાહી સરળ અને ત્વરિત રીતે હાથ ધરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે જ્યોતિગ્રામ યોજના હેઠળ રાજયના હજારો ગામડાઓમાં વીજળી પહોંચાડી છે. સાથે ગામડાઓને ૨૪ કલાક વીજ પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત થતા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના ઘરમાં અજવાળું પથરાયું છે. નવસારીના છેવાડાના ગામ એવા સુખાબારીના ભગવતીબહેન પટેલ જેવા અનેક મહિલાઓનું જીવન આજે વધુ ઉજ્જવળ બન્યું છે.