નવસારી જિલ્લામાં “ વિશ્વ મેલેરિયા દિવસ “ ની ઉજવણી કરવામાં આવી
- Local News
- April 25, 2023
- No Comment
તા.૨૫મી એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી નિમિત્તે બીલીમોરા વી.એસ.પટેલ કોલેજ ખાતે જનજાગૃતિ રેલી, સ્વામીનારાયણ નર્સીંગ કોલેજ ચીખલીના પેરામેડીકલ વિદ્યાર્થીઓ માટે સેમીનાર તથા નર્સીંગ સ્કુલ સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મેલેરિયા અધિકારી, તાલુકા હેલ્થ ઓફીસરો, સંબંધિત કોલેજોના પ્રિન્સીપાલો, મેડિકલ ઓફીસરો, અન્ય સ્ટાફ તથા મોટી સંખ્યામાં પેરામેડીકલ વિદ્યાર્થીઓ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા મેલેરિયા અધિકારી ડો.ધવલ મહેતા દ્વારા તમામ સ્થળોએ ઉપસ્થિત રહીને સંસ્થાના પેરામેડીકલ વિદ્યાર્થીઓને તથા આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોને વિશ્વ મેલેરિયા દિન ૨૦૨૩ ની થીમ “મેલેરિયાને શુન્ય સુધી પહોંચાડવાનો સમય : નિવેશ કરો, નવીનત્તમ કરો, અમલ કરો” ( Time to deliver Zero Malaria : invest, innovate, implement ) વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં. તેમજ મેલેરિયા મુકત ગુજરાત અન્વયે આગામી વ્યુહરચના વિશે અને મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોના નિયંત્રણ માટેના IVM અંતર્ગત વિવિધ પગલાંઓ વિશે ઓડિયો-વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મેલેરિયા/ડેન્ગ્યુના મચ્છર, મચ્છરના પોરા તથા પોરાભક્ષક ગપ્પી માછલીઓનું લાઇવ ડેમોંસ્ટ્રેશન પણ યોજવામાં આવ્યુ હતું. તદુપરાંત, જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ આરોગ્ય કેન્દ્રો દ્વારા વિશ્વ મેલેરિયા દિન નિમિત્તે જનજાગ્રૃતિ શિબિરો, રેલી, નિદર્શંન, પત્રિકા વિતરણ, પોસ્ટર ડિસ્પ્લે તથા વોટસ એપ, ટ્વીટર, વગેરે માધ્યમથી IEC અંતર્ગત પ્રચાર-પ્રસારના વિવિધ કાર્યક્ર્મો હાથ ધરવામાં આવ્યા હતાં.
ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૫ માં મેલેરિયાના ૪૧,૫૬૬ કેસો નોંધાયા હતાં જે વર્ષ ૨૦૨૨ માં ઘટીને ૪,૭૮૫ જેટલા જ કેસો નોંધાયા હતાં. આ જ રીતે નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૧૫ માં મેલેરિયાના ૧,૦૨૬ કેસો, જે વર્ષ ૨૦૨૨ માં ઘટીને ફક્ત ૨૧ કેસો જેટલા જ કેસો નોંધાયા હતાં. આરોગ્ય વિભાગ દ્વારા ઝડપી નિદાન, સંપુર્ણ સારવાર, નવા જંતુનાશકો દ્વારા પોરા/મચ્છર નિયંત્રણની નવીનત્તમ ટેકનોલોજી તથા સુક્ષ્મ આયોજન સહ વ્યુહરચના કારણભૂત છે. વર્ષ ૨૦૨૭ સુધીમાં ગુજરાતને મેલેરિયાથી મુકત કરવા માટે તમામ કક્ષાએથી સાતત્યસભર કામગીરીની સાથે-સાથે જનસમુદાયના સહયોગની ખાસ જરૂર છે.