
રાજપીપલાના એકતાનગર ખાતે આકાશવાણીના મુદ્રાલેખ “બહુજન હિતાય બહુજન સુખાય” મંત્રને સાકાર કરતું નવું રેડિયો સ્ટેશન શુક્રવારથી કાર્યરત બનશે
- Technology
- April 27, 2023
- No Comment
દેશમાં રેડિયો કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી પ્રયાસોથી આવતી કાલે તા. ૨૮મી એપ્રિલે સમગ્ર દેશમાં ૯૧ FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કરવાના છે. જેમાં ખાસ કરીને દેશના મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા પર વિશેષ ધ્યાન આપવાના ભાગરૂપે નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા મહત્વાકાંક્ષી જિલ્લાઓ પૈકીના ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં પણ નવું ૧૦૦ વોટનું આકાશવાણી FM રેડિયો ટ્રાન્સમિટર ૧૦૦.૧ MHZ નું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સવારે ૧૧:૦૦ કલાકે વીડિયો કોન્ફરન્સિંગના વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કરશે. આ રેડિયો સ્ટેશન થકી ૧૫ કિ.મી.ના વિસ્તારને કનેક્ટિવિટીથી આવરી લેવામાં આવશે અને આકાશવાણીના મુદ્રાલેખ “બહુજન હિતાય બહુજન સુખાય” મંત્રને સાકાર કરશે.
એકતાનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા પ્રસાર ભારતીના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
સમગ્ર દેશમાં FM કનેક્ટિવિટી વધારવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. ૧૮ રાજ્યો અને ૨(બે) કેન્દ્રશાસિત પ્રદેશોના ૮૪ જિલ્લાઓમાં કુલ ૯૧ નવા ૧૦૦ વોટના FM ટ્રાન્સમીટર સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત સહિત બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગાણા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, લદ્દાખ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ સામેલ છે. ઓલ ઈન્ડિયા રેડિયોની એફ.એમ. સેવાના આ વિસ્તરણ સાથે વધારાના 2 કરોડ લોકો કે જેમની પાસે માધ્યમનો ઉપયોગ ન હતો, તેમને હવે આવરી લેવામાં આવશે. આ નવા રેડિયો સ્ટેશનનના માધ્યમથી દેશના અંદાજે ૩૫,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં રેડિયો કવરેજનું વિસ્તરણ થશે. શુક્રવારે શરૂ થનારી આ સેવાથી નાગરિકો ૧૦૦.૧ MHz ફ્રિક્વન્સી ઉપર રેડીયો, કાર રેડીયો, મોબાઈલ સહિતના ઉપકરણોમાં આકાશવાણીની પ્રસારણ સેવાનો સવારે ૬:૦૦ કલાકથી રાત્રિના ૧૧:૦૦ વાગ્યા સુધી નિયમિતપણે આનંદ માણી શકશે.