નવસારીમાં ૯મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની લુન્સીકુઇ મેદાનમાં ઉત્સાહભેર ઉજવણી: માત્ર ૨૧ જૂન જ નહીં, પ્રતિદિન યોગદિન બને તેવી મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ અપીલ કરી
- Local News
- June 21, 2023
- No Comment
૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નવસારીના લુન્સીકુઇ મેદાન ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ વર્ષનો મધ્યવર્તી વિચાર ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’ને સાર્થક કરવા માટે નવસારીના વિવિધ વિસ્તારોમાંથી બાળકોથી લઈને વડીલો ઉત્સાહભેર પહોંચ્યા હતા.

આ પ્રસંગે મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, પ્રાચીનકાળમાં ભારતીય સંસ્કૃતિના ગ્રંથોમાં યોગનું મહત્વ અને જ્ઞાન પડેલું છે. તેના થકી પ્રાચીન ઋષિ-મુનિઓએ યોગ, પ્રાણાયામ, યોગસાધના દ્વારા શરીર શૌષ્ઠવની સાથે માનસિક આધ્યાત્મિક શક્તિ કેળવીને સ્વસ્થ અને તંદુરસ્ત નિરોગી સાથે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરતા હતા જે યોગવિદ્યા સફળ રહી છે. જે સહજ સ્વીકૃત બની આજે ભારતીય વિરાસત બની છે. જેમાં કોઈ બે મત નથી.

મંત્રીએ ઉમેર્યું હતું કે યોગએ ભારતીય સંસ્કૃતિથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. જે નિશુલ્ક સ્વંયમ જાતે શીખીને તથા યોગ બોર્ડના ટ્રેનરો દ્વારા તાલીમ લઇને શીખી શકાય છે અને બીજાને શીખવી શકાય છે. તેનાથી મન પ્રફુલ્લીત અને શાંતિનો અનુભવ કરે છે. આજના યોગ દિવસે સૌને સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી રહે તેવી શુભકામના પાઠવું છું. અંતે મંત્રીએ યોગ દિવસ માત્ર ૨૧ જૂન દિવસ પૂરતો સીમિત ન રાખી પ્રતિદિન યોગદિન બનાવીએ એવી જાહેર અપીલ પણ કરી હતી.

આ પ્રસંગે લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો યોગ કરવા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને શરીર શૌષ્ઠવપ્રેમી લોકો ઉમટી પડ્યા હતા અને એક કલાકથી વધુ સમય માટે યોગમય બન્યા હતા અને એલ.ઇ.ડી સ્ક્રીન પર અને યોગ બોર્ડ દ્વારા નિદર્શન યોગ જોઈને યોગ કર્યા હતા અને સુંદર વાતાવરણ નિર્માણ કર્યું હતું. અને નિરવ શાંતિ અને યોગનો સ્વંયમ અનુભવ કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સુરત ખાતેથી યોગ દિવસનો પ્રેરક સંદેશો નજરે નિહાળી ઝીલ્યો હતો. અને યોગ કરવા સંકલ્પ બધ્ધ બન્યા હતા. આરોગ્ય પ્રત્યે જાગૃતતા સંદેશ પ્રસરાવ્યો હતો. વાઈટ ડ્રેસમાં સફેદ ટી-શર્ટ અને શાંતિના પ્રતિકની જેમ સુંદર નજારોનું નિર્માણ કર્યું હતું.
આજની આ ઉજવણીમાં ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, નગરપાલિકા પ્રમુખ જીગીશભાઇ શાહ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ વિવિધ સામાજિક, અઘ્યાત્મિક સંસ્થાઓ, સોસાયટીના સભ્યો, જિલ્લાના વિવિધ વિભાગમાં કાર્યરત અધિકારીઓ-કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. અંતે અહીં ઉપસ્થિત સૌ કોઈ યોગથી સ્વસ્થ રહેવા અને બીજાને યોગ માટે પ્રેરણા આપી માનવતાની માવજત કરવા સંકલ્પબદ્ધ થયા હતા.