મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાવલી ગામે રાત્રિ રોકાણ બાદ સવારે આંગણવાડી-પ્રાથમિક શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો : ગ્રામીણક્ષેત્ર જાવલી ગામના આદિજાતિ લોકોની મહેમાનગતિ માનસપટલ પર યાદગાર બની રહી
- Uncategorized
- July 6, 2023
- No Comment
શાળાની એસ.એમ.સી. કમિટી સાથે બેઠક યોજી શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું : ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત કરી : બે ખેડૂતોને NFS યોજના અંતર્ગત તુવેરના બિયારણની કિટ અર્પણ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નર્મદા જિલ્લાના અંતરિયાળ બોર્ડર વિલેજ જાલવી ગામ ખાતે રાત્રિરોકાણ કર્યા બાદ આજે સવારે રાત્રિ નિવાસ સ્થળેથી સીધા જ ગામની આંગણવાડીમાં પગપાળા પહોંચી નાના ભૂલકાંઓ સાથે વાર્તાલાપ કરી આંગણવાડીનું નિરિક્ષણ કર્યું હતું. આંગણવાડીના બાળકોએ બાળગીતની પ્રસ્તુતિ કરી હતી જેને તેમણે નજરે નિહાળ્યું હતું. આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા ભોજન-નાસ્તા અંગેની પણ વિગતો મેળવી હતી.
આંગણવાડીની મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાથમિક શાળાની કમ્પ્યુટર લેબનું નિરિક્ષણ કરી બાળકોના કમ્પ્યુટર અભ્યાસને પણ નજરે નિહાળ્યો હતો. આ વેળાએ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પીરસીને શિક્ષકો દ્વારા કરાવવામાં આવતી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. બાળકોના ટેક્નોલોજી સાથે લગાવને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા અને શાળામાં ઊભી કરવામાં આવેલી વિજ્ઞાન પ્રયોગશાળાની મુલાકાત લીધી હતી. બાળકો દ્વારા તારામંડળ, ગ્રહો અંગેના ડેમોને નજરે નિહાળી સામાન્ય જ્ઞાન અંગેના પ્રશ્નો બાળકોને પૂછ્યા હતા.
મુખ્યમંત્રીએ સ્માર્ટ ક્લાસમાં બેન્ચ પર બેસીને એક વિદ્યાર્થીની જેમ સમગ્ર શિક્ષણ પ્રક્રિયાને નિહાળી હતી. બાદમાં સ્માર્ટ બોર્ડ પર સહી કરીને બાળકોને સ્માર્ટ ક્લાસ દ્વારા દેશ-વિદેશના જ્ઞાન સાથે તાદાત્મ્ય કેળવી નોલેજેબલ બનવા પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્ય સરકારની બાળકોના સર્વાંગી વિકાસની પ્રતિબધ્ધતા દર્શાવી હતી.
શાળાની એસ.એમ.સી.ના ૧૩ સભ્યો સાથે બેઠક યોજીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ અને સરપંચ ચાંદભાઈ વસાવા પાસેથી ગામની તથા શાળાની માહિતી મેળવી હતી. સભ્યોને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા અનુરોધ કર્યો હતો. શાળાના શિક્ષકો-વાલીઓ સાથે વાર્તાલાપ કરી બાળકો હોંશિયાર બને તે માટે બન્ને પક્ષે સાથ સહકારથી શિક્ષણની ગુણવત્તા અને સુધારણા માટે પ્રયત્નો કરવા બેઠકમાં ચર્ચા કરાઈ હતી. અને એસએમસીના સભ્યો સાથે સમૂહ તસ્વીર ખેંચાવી હતી.
શાળાની મુલાકાત બાદ શાળાની નજીકમાં પ્રાકૃતિક ખેતી કરતા બે ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત કરીને ખેતીમાં પાક પદ્ધતિ, વાવેતર, ખેતરમાંથી થતી ઉપજ અંગેની વિગતો ખેડૂતો પાસેથી મેળવી હતી. બાદમાં રાષ્ટ્રીય કૃષિ યોજના (NFS) અંતર્ગત બે ખેડૂતોને ૪-૪ કિલોની તુવેરના બિયારણની કિટ અર્પણ કરી હતી.

ખેતરની મુલાકાત બાદ શાળાના પ્રાંગણમાં સરગવાના છોડનું રોપણ કરી સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ પાસેથી વનીકરણ અંગેની વિગતો મેળવી વન પર્યાવરણ અંગે નાયબ વન સંરક્ષક નિરજકુમાર તથા મિતેશ પટેલે જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીથી મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.

જાવલી ગામની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ નવાગામ બોર્ડર વિલેજ મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર મુલાકાત કરીને વહીવટી તંત્ર સાથે તથા ગામના અગ્રણીઓ સાથે સમૂહ તસવીર લીધી હતી. આસપાસની સરહદ અને ભૌગોલિક પરિસ્થિતિથી મુખ્યમંત્રીશ્રીને વહીવટી તંત્ર દ્વારા વાકેફ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી કાર્યાલયના ખાસ ફરજ પરના અધિકારી અને માહિતી નિયામક ધીરજ પારેખ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે, તાલુકા પંચાયતના પ્રમુખ રોહિદાસ વસાવા,ગામના સરપંચ ચાંદભાઈ વસાવા સહિત સંબંધિત અધિકારીઓ ને આગેવાનો જોડાયા હતા.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના છેવાડાના અંતરિયાળ જાવલી ગામ મહારાષ્ટ્ર રાજ્ય અને તાપી જિલ્લાની સરહદને અડીને આવેલું છે. મહારાષ્ટ્ર રાજ્યના બામણ ગામ, કડવા મઉ, કવલી ગવાણ અને ખાપર ગામોની નજીક આવેલું છે, જ્યારે તાપી જિલ્લાના ડાબરી આંબા, ગંગથા ગામની સાથે મહારાષ્ટ્ર સરહદને સ્પર્શે છે. એટલે જ આ ગામની ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રામ્ય જીવન સૌથી અલગ તરી આવે છે.

વિશેષત: જાવલી ગામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના હતા, પરંતુ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું ટકરાવાનાના કારણે ઉભા થયેલા અનિવાર્ય સંજોગોવશાત આવી શક્યા નહોતા. પરંતુ ગ્રામજનોના પ્રેમ અને સ્નેહના કારણે ફરી જાવલી ગામ પર લોકસંપર્ક માટે પસંદગી ઉતારી હતી. તેઓ ગ્રામજનોના આગ્રહને માન આપી ગામમાં પધાર્યા હતા, ત્યારે ગ્રામજનોમાં પણ મુખ્યમંત્રીને આવકારવા માટે અનેરો ઉત્સાહ અને ઉમંગ સ્પષ્ટ નજરે પડ્યો હતો.
બોર્ડર વિલેજ જાવલીની જમાવટ મુખ્યમંત્રીના માનસપટલ પર યાદગાર બની રહી હતી. “હવે આવજો, સૌને રામ રામ” કરી અભિનાદન સાથે આભારનો ભાવ વ્યક્ત કરીને આગળના પ્રવાસ તાપી જિલ્લાની મુલાકાતે મુખ્યમંત્રી કાફલા સાથે રવાના થયા હતા.