
નેધરલેન્ડના ફ્લોરીકલ્ચર (ફુલોની ખેતી) વિષય નિષ્ણાત ડો. જોસ મેગ્લેનની નવસારી અને વલસાડ ખાતે મુલાકાત:ફૂલોની ખેતી કરતા સ્થાનિક ખેડૂતોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું.
- Local News
- July 6, 2023
- No Comment
કેન્દ્ર સરકાર પુરસ્કૃત MIDH (mission for integrated development of horticulture) યોજનાનાં ઇન્ડૉ-ડચ પ્રોજેકટ અંતર્ગત નેધરલેન્ડના ફુલપાક વિષયના નિષ્ણાત ડો. જોસ મેગ્લેને નવસારીમાં ગ્રીનહાઉસમાં મૂલ્યવાન ઓર્કિડ, જરબેરા, જીપસોફિલા જેવા પાકોની ખેતી કરતા ખેડૂતો સાથે ગ્રીનહાઉસની મુલાકાત લઇ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તથા, આસપાસ આવી ખેતી સાથે જોડાયેલા ખેડૂતો અને સુરત માર્કેટમાં ફૂલોનો જથ્થાબંધ વેપાર કરતા ખેડૂતો સાથે ફૂલોની ખેતી માટે કાળજીઓ, વેચાણ વ્યવસ્થા અંગે પણ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ડો. જોસ મેગ્લેનની આ મુલાકાત દરમ્યાન ફૂલોની ખેતી સાથે જોડાયેલા ખેડૂત મિત્રોએ પોતાના પ્રશ્નો રજૂ કરી ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું. પ્રવાસના બીજા દિવસે નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે બાગાયત કોલેજના પ્રિન્સિપાલ, ફુલપાક વિભાગના વૈજ્ઞાનિકો, દક્ષિણ ગુજરાતનાં સાત જિલ્લાઓના બાગાયત અધિકારીઓ સાથે બેઠક કરીને ભવિષ્યમાં ઇન્ડો -ડચ પ્રોજેક્ટ અંતર્ગત “સેન્ટર ઓફ એક્સલન્સ” ઊભું કરવાથી શું ફાયદા થઇ શકે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.
મુલાકાતના અંતમાં વલસાડ જિલ્લામાં ચણવઈ ખાતે બાગાયત વિભાગના હાલ ચાલી રહેલ ફુલપાક અને આંબાપાકના “સેન્ટર ઓફ એક્સલન્સ” ની મુલાકાત લઇ સેન્ટર ખાતે ફૂલોની ખેતી સાથે સંકાળાયેલ 30 પ્રગતિશીલ ખેડૂતો સાથે બેઠક કરી ફૂલ પાકની સફળ ખેતી અંગે તેઓએ માર્ગદર્શન આપ્યું હતું .
ડો. જોસ મેગ્લેનની દક્ષિણ ગુજરાતની બે-દિવસીય મુલાકાતથી ફૂલપાકોની આધુનિક ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોને ઘણો ફાયદો થશે તેવી સુરતના સંયુક્ત બાગાયત નિયામક ડો. એચ. એમ. ચાવડાએ આશા વ્યક્ત કરી હતી. આ મુલાકાત દરમ્યાન નાયબ બાગાયત નિયામક-નવસારી દિનેશ પડાલિયાએ સાથે રહી જરૂરી ફિલ્ડ વિઝીટ અને મિટિંગોનું સફળ આયોજન કર્યું હતું.