
નવસારી જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરીંગ કમિટી (દિશા) ની બેઠક જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ
- Local News
- July 16, 2023
- No Comment
નવસારી જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરીંગ કમિટી (દિશા) ની બેઠક આજે નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
બેઠકમાં કલેકટર અમિત પ્રકાશ યાદવે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો લોકો સુધી સરળતાથી પહોંચે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને આયોજન કરી સતત કાર્યશીલ રહેવા જણાવ્યું હતું. સાથે, યોજનાકીય કામગીરીની યોગ્ય જાણકારી લોકો અને લાભર્થીઓ સુધી પહોંચે તે માટે જનજાગૃતિ કેળવવાનો વિશેષ અનુરોધ કર્યો હતો.
દિશાની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ગોબરધન પ્રોજેક્ટ, શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન પ્રોજેક્ટ, સર્વ શિક્ષા અભિયાન, લીડ બેંકની તથા પોસ્ટ વિભાગની સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાઓના જેવી વિવિધ કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. અને, ફાળવેલ ગ્રાંટ અંતર્ગત લક્ષ્યાંકો પૂર્ણ કરવા સાથે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આજની દિશાની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઇ દેસાઈ,જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, વાંસદા પ્રાયોજના વહિવટી અધિકારી આનંદુ સુરેશ, પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, નાયબ વન સંરક્ષક નિશા રાજ, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.એસ.ગઢવી, નગરપાલિકાના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો વિવિધ સમિતિઓના સદસ્યો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.