
નવસારી માં સૌથી મોટા રક્તદાન કેમ્પનું આહિર સમાજ ધ્વારા આયોજન કરવામાં આવ્યું
- Local News
- October 1, 2023
- No Comment
હાલ સમયાંતરે નવસારીમાં રક્તની અછત વર્તાઈ રહી છે. જેને ધ્યાને લઈને આહીર સમાજ દ્વારા જિલ્લાના સૌથી મોટા રક્તદાન કેમ્પનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. જેમાં 726 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
માનવજીવનનું સૌથી મોટું દાન રક્તદાન છે, રક્તદાન કરવાથી કોઈક વ્યક્તિને નવજીવન મળી શકે છે. હાલમાં નવસારી જિલ્લામાં રક્તની અછત સર્જાઈ રહી છે, ત્યારે રક્તની અછત ને મહદંશે દુર કરવા નવસારી શહેરના જુનાથાણા વિસ્તારમાં આવેલ મતિયા પાટીદાર વાડી ખાતે આજરોજ નવસારી જિલ્લાનો સૌથી મોટા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લામાં સૌથી મોટા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
આહીર સમાજ દ્વારા મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આહીર સમાજનું એક સૂત્ર છે કે,” સૌથી વધારે રક્તદાન કરનાર સમાજ એટલે આપણો સમાજ.” નવસારી જિલ્લાણા આહીર સમાજની વાત કરીએ તો, તેમના ઘર આંગણે એક ખોડિયાર માતાજીનું મંદિર સ્થાપિત હોય જ છે, પહેલા ગામે ગામે જઈને સૌ પ્રથમ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું. સૌ યુવાનો રાત્રિના સમયે ખોડીયાર માતાજીના મંદિરમાં ભેગા થતા હોય છે, ત્યાં એક મહિના સુધી સતત ગામે ગામ જઈને રક્તદાન વિશે જાણકારી તેમજ જાગૃતિ આપવામાં આવી હતી. એક મહિના સુધી આ મિશન સતત ચલાવવામાં આવ્યું હતું, ત્યારબાદ આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ યોજાયેલ રક્તદાન કેમ્પ માં માત્ર 6 કલાકની અંદર 726 રક્ત યુનિટ એકત્ર કરાયું
આ મેગા રક્તદાન કેમ્પમાં યુવાનો જ નહીં, સમાજના સૌ કોઈ વડીલો તેમજ મહિલાઓએ પણ રક્તદાન કરીને એક ઉત્તમ સેવા કરી અને કોઈ ને નવજીવન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એક જ દિવસમાં તેમાં પણ ખાસ કરીને માત્ર છ કલાકમાં 726 જેટલી રક્તની યુનિટો આહીર સમાજે એકત્ર કરી હતી.
સાત વર્ષથી આહીર સમાજ ધ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાઈ રહ્યુ છે.
સાત વર્ષથી થઈ રહેલા રક્તદાન કેમ્પની વાત કરીએ, તો નવસારી જિલ્લા આહીર સમાજ છેલ્લા સાત વર્ષથી રક્તદાન કેમ્પના કાર્યક્રમો કરતા આવ્યા છે. જેમાં આહિર સમાજ દ્વારા વર્ષ 2015 માં 212 યુનિટ રક્ત, વર્ષ 2016 માં 401 યુનિટ, વર્ષ 2017 માં 501 યુનિટ, વર્ષ 2018 માં 636 યુનિટ અને વર્ષ 2019 માં 888 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ વખતે એટલે વર્ષ 2023માં માત્ર છ કલાકની અંદર 726 રક્તની યુનિટ એકત્ર કરવામાં આવ્યું છે.
યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ માટે વિશેષ પ્રકારની સુવિધા કરાઈ
રક્તદાતાઓ માટે વિશેષ પ્રકારની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. જેમાં બિસ્કિટ,કેળા,નાસ્તા માટે અલગ અલગ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 3 બ્લડ બેંક ધ્વારા રક્તદાતાઓની સેવામાં હાજર હતી. રક્તદાન તેમજ સમાજ લોકો સહિત તમામ માટે ભોજનની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી.
આજરોજ મતિયા પાટીદાર વાડી નવસારી ખાતે યોજાયેલા મહારક્તદાન શિબિરમાં શ્રાદ્ધ પર્વ અને રવિવાર હોવા છતાં આહિર ભાઈ બહેનો દ્વારા 726 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
વરિષ્ઠ સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલની રક્તતુલામાં 99 કિલો સામે 113 કિલો રક્ત તુલા થતાં રક્તદાન મહાદાન ના મહિમાને વિશેષ ઉપસ્થિત પ્રદેશ મંત્રી રઘુભાઈ બહુલ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, ધારાસભ્ય બેલડી રાકેશ દેસાઈ તથા નરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ ,નવસારી પાલિકા પ્રમુખ મીનલ દેસાઈ, જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ, મહામંત્રી બેલડી ડો.અશ્વિન પટેલ અને જીગ્નેશ નાયક, પ્રદેશ મંત્રી શીતલ સોની ,જિલ્લા પંચાયત ભૂતપૂર્વ પ્રમુખ ભીખુભાઈ આહીર ,મેનેજિંગ ટ્રસ્ટી પ્રો. સંજય આહિર વિગેરે એ આ પ્રસંગે વધાવી લીધો હતો.
પ્રાસંગિક શુભકામનાઓ પાઠવતા સી.આર પાટીલે જણાવ્યું હતું કે આ નાનકડા કુંભમેળામાં રક્તદાનનો મહિમા શિરમોર છે અજ્ઞાતનો જીવ રક્તદાન બચાવે છે.
તાજેતરમાં દિવંગત થયેલા સ્વ મોહનભાઈ આહીર ના પરિવારજનોએ ઉપસ્થિત રહેવા સાથે નતમસ્તકે રૂપિયા 11 લાખનું દાન જાહેર કર્યું હતું.
સર્વશ્રી મધુભાઈ કથીરિયા, રોટરી હોસ્પિટલ ચેરમેન યોગેશ નાયક, સી .એ .વિનોદ દેસાઈ ,આચાર્ય પત્રકાર ગૌતમ મહેતા ગણેશ સિસોદ્રા રણજીતભાઈ પટેલ વિગેરે આહિર સમાજને વધામણા પાઠવ્યા હતા.નવસારી જિલ્લા પંચાયતના નવોદિત સુકાની પરેશ દેસાઈએ શ્રાદ્ધ પર્વમાં શ્રદ્ધાપૂર્વક રક્તદાન કરનારાઓને અભિનંદન પાઠવી ઉમદા સમાજસેવા બજાવી છે એમ જણાવ્યું હતું .તેમણે નવસારી જિલ્લા તંત્ર દ્વારા સર્વાંગી જનકલ્યાણ ના કામો થતા રહેશે અને પારદર્શક થશે એમ જણાવવા સાથે આયોજકોને વધામણા પાઠવ્યા હતા.
નવસારી જિલ્લા આહિર સમાજના ઉમદા સંગઠન દ્વારા શિક્ષણ આરોગ્ય અને સમાજની સર્વાંગી સેવાઓ સતત થતી આવી છે .