“સાંસદ દિશા દર્શન” અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ
- Local News
- December 27, 2023
- No Comment
નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૬૩૦ સ્થળોએ ૩૦૦ ટન કરતાં વધુ કચરો એકત્રિત કરવામાં આવ્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સમગ્ર ભારતમાં અવિરતપણે ચાલી રહયો છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ‘સાંસદ દિશા દર્શન’ અંતર્ગત “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” હેઠળ સ્વચ્છતા અભિયાનની શરૂઆત તા.૩ જી ડિસેમ્બરથી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં થયેલી કામગીરી તેમજ સ્વચ્છતા જળવાઇ રહે તે માટે હવે પછી કરવાની થતી કામગીરીની જાણકારી આપવાના હેતુસર નવસારી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી.
આ અવસરે નવસારી કલેકટર અમિત પ્રકાશ યાદવ એ જણાવ્યું હતું કે, અભિયાનની શરૂઆતથી અત્યાર સુધીમાં જિલ્લાના ૧૦૦૦ કરતાં વધુ સ્થળો ઉપરથી ૨૭૦૦ ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ દરેક સ્થળો ઉપર ગ્રામજનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકપ્રતિનિધિઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો. આવનારા દિવસોમાં સ્વચ્છતાની કામગીરી પૂર્ણ કરી નવસારી જિલ્લાને સર્વોચ્ચ સ્થાને લઇ જવાનો જિલ્લા વહીવટીતંત્રનો અભિગમ હોવાનું તેમણે જણાવ્યું હતું. સ્વચ્છતા જાળવણી માટે સૂકા અને ભીના કચરાને અલગ-અલગ કરી નિકાલ કરવો આવશ્યક છે. નવસારીને વધુમાં વધુ કેવી રીતે સ્વચ્છ બનાવી શકાય તે માટે મીડિયાકર્મીઓ સહિત સૌ પ્રજાજનોના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી આ અંગે સૂચનો પણ આવકાર્ય હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, સ્વચ્છતા કાયમી જળવાઇ રહે તે હેતુસર “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” અભિયાન દરમિયાન વિવિધ એન.જી.ઓ, શાળા/ કોલેજોના સહયોગથી શેરી નાટકો, સ્વચ્છતા દોડ, રક્તદાન શિબિર, વોલ પેઈન્ટિંગ અને વૃક્ષારોપણ કરાશે. બસ સ્ટેશનો પ્લાસ્ટિકમુક્ત બને તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે. સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ આવે તેમનામાં પરિવર્તન આવે તે માટે અનેક સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી જનજાગૃતિ કેળવવાનું આયોજન પણ કરાયું છે. લોકોને પ્રોત્સાહન મળે તે માટે નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા સ્પર્ધા યોજવાનું પણ આયોજન કરાશે.
નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પ લતાએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ સંસ્કાર છે અને આપણે સંસ્કારી નગરી નવસારીમાં રહીએ છીએ તો આપણે અહીંના સ્વચ્છતાના સંસ્કાર સમગ્ર દેશમાં ફેલાવીએ તે આવશ્યક છે. કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં કલસ્ટર બનાવી કચરાનું પ્લાસ્ટિક, રબર વગેરેમાં વર્ગીકરણ કરી તેના વેચાણ તેમજ ઓર્ગેનિક કચરામાંથી વર્મીકમ્પોસ્ટ દ્વારા ખાતર બનાવી આવકનો સ્રોત ઊભા કરવાનું આયોજન પણ કરાયું છે.
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ પોલીસ મથકોમાં સફાઇ અભિયાન કરવામાં આવ્યું છે. વિવિધ ગુનાઓ હેઠળ ડિટેઇન કરવામાં આવેલા વાહનો અને પ્રોહીબીશન હેઠળ પકડાયેલા નશીલા પદાર્થોનો પણ નિયમિતપણે નિકાલ કરવામાં આવતો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ અવસરે વિવિધ મીડિયાકર્મીઓએ સ્વચ્છતા બાબતે સૂચનો રજૂ કર્યા હતા.આ વાર્તાલાપમાં નિવાસી અધિક કલેક્ટર કેતન જોષી, શહેર અગ્રણી ભૂરાભાઇ શાહ સહિત જિલ્લાના પ્રિન્ટ અને ઇલકટ્રોનિક મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.