
કરૂણા અભિયાન-૨૦૨૪ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરાવતાં: વન પર્યવારણ રાજય મંત્રી મુકેશભાઇ પટેલ
- Local News
- January 13, 2024
- No Comment
નવસારી જિલ્લામાં સામાજિક વનિકરણ વિભાગ, પશુપાલન વિભાગ, સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરીત સારવાર અર્થે જિલ્લા તથા તમામ તાલુકા કક્ષાએ, કંટ્રોલરૂમ, ઓનલાઈન લિંક લોકેશન સહિતની વિગતના હેલ્પલાઈન સેન્ટર, રેશ્ક્યુ ટીમ, પશુ દવાખાનાની વિગતો સહિત આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે ગુજરાત રાજયના વન પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઇ પટેલે વેટરનરી કિલનીકલ કોમ્પલેક્ષ, એરૂ રોડ, નવસારી ખાતે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોઇ પક્ષી જીવ ન ગુમાવે તે માટે રાજય સરકાર દ્વારા કરૂણા અભિયાન-૨૦૨૪ નો શુભારંભ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં ૮ જેટલી એનજીઓ કાર્યરત છે. જયાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. નિર્દોષ, અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે.ઉત્તરાયણ પર્વ દરમિયાન મુંગા પક્ષીઓને નુકશાન ન થાય તેની વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતું.
આ અવસરે મંત્રીના હસ્તે ૮ જેટલી સેવાકીય પ્રવૃત્તિ કરનાર એનજીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે સુરતના મુખ્ય વન સરંક્ષક ડો.કે.શશિકુમાર, નવસારી પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર, નાયબ મુખ્ય વન સરંક્ષક ભાવના દેસાઇ, રેંજ ફોરેસ્ટ ઓફિસર હિનાબેન પટેલ, વેટરનરી કોલેજના ડીન અને સ્ટાફગણ, જીવદયા સંસ્થાઓના કર્મીઓ ઉપસ્થિત રહયાં હતાં.