‘સ્વચ્છ નવસારી જવાબદારી અમારી’ અભિયાન અંતર્ગત મરેથોન દોડના આયોજન સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ જિલ્લા કલેક્ટર અમિતપ્રકાશ યાદવની અધ્યક્ષતામાં યોજાઈ
- Sports
- January 17, 2024
- No Comment
નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નવસારી જિલ્લા ‘સાંસદ દિશાદર્શન કાર્યક્રમ’ અંતર્ગત ‘સ્વચ્છ નવસારી જવાબદારી અમારી’ અભિયાન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને રોટરી ક્લબ ઓફ નવસારીના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેરેથોન દોડ સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ મેરેથોનનું આયોજન લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાઇ તે માટે કરવામાં આવ્યું છે. કલેક્ટરે મોટી સંખ્યામાં લોકો જોડાઈ એવી અપીલ કરી છે.

જિલ્લા વહીવટી તંત્ર નવસારી અને રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા તા. ૨૧ જાન્યુઆરીના રોજ સવારે ૬-૦૦ વાગ્યાથી આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોનની શરૂઆત નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતેથી થશે. આ મેરેથોન દોડમા કુલ ત્રણ રૂટ ૩ કીમી, ૫ કીમી અને ૧૦ કીમીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રૂટ – ૧: ૩(ત્રણ)કીમી – લુન્સીકુઈ ગ્રાઉન્ડથી તીઘરા નાકા સુધી અને રૂટ – ૨: ૫(પાંચ)કીમી – લુન્સીકુઈ ગ્રાઉન્ડથી બી. આર. ફાર્મ સુધી. તેમજ રૂટ – ૩: ૧૦(દશ) કીમી- લુન્સીકુઈ ગ્રાઉન્ડથી પેન્ટોસ પીઝા, ઈટાળવા સુધી રહેશે. જેમાં ૧૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓ ભાગ લઇ શકશે.

ભાગ લેનાર વ્યક્તિઓને ટી-શર્ટ એમ, એનર્જી ડ્રિન્ક, બ્રેકફાસ્ટ, પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવશે. ઓન સ્પોટ રજિસ્ટ્રેશન માટે સ્થળ ઉપર ૪(ચાર) કાઉન્ટર રાખવામાં આવશે તેમજ http://www.townscript.com/e/navsari-marathon-014314 ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકાશે. દરેક રૂટ ઉપર ૫૦૦ મીટરના અંતરે કાઉન્ટર ઉપર મેડિકલ ટીમ, એનર્જી ડ્રિન્ક અને પીવાના પાણીની સગવડ ઉભી કરશે. તેમજ મેડિકલ ટીમમાં MBBS ડોક્ટરોની સાથેની સીપીઆર ટ્રેઈન મેડિકલ ટીમ ખડેપગે હાજર રહેશે.
મેરેથોન દોડ દરમિયાન રોડની એકબાજુનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે તથા હોમગાર્ડ, ટ્રાફિક જવાનો, રોટરીના સ્વયંસેવકો ટ્રાફિક નિયમનની ફરજ બજાવશે.પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલિસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, નિવાસી અધિક કલેક્ટર કેતન જોશી, નવસારી-વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસર જે.યુ.વસાવા તેમજ મિડીયા કર્મીઓ હાજર રહ્યા હતા.