
તા.૧૦મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારમાં નવનિર્મિત પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
- Local News
- February 8, 2024
- No Comment
નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્ય્ક્ષસ્થાને ઈ-લોકાર્પણ કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ:જિલ્લામાં ૨૩૬ ગામના ૩૦૫૫ પી.એમ.આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ થશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજયભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પી.એમ.આવાસોનું તા.૧૦મી ફેબ્રુઆરીના રોજ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તથા માન.મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજ્યમાં ઈ-લોકાર્પણ/ ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાનાર છે.જેના ભાગરૂપે નવસારી જિલ્લાની તમામ ચાર વિધાનસભા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટરે દરેક વિધાનસભા વિસ્તારમાં ઈ-લોકાર્પણ કાર્યક્રમોમાં લાભાર્થીઓ સમયસર ઉપસ્થિત રહે તે માટે જે તે જિલ્લા નોડલ અધિકારીઓએ પ્રજાના પ્રતિનિધિઓ સાથે પરસ્પર સંકલન કરીને કામગીરી કરવાનું સૂચન કર્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, પીવાના પાણીની વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે લાભાર્થીઓને લાવવાની વ્યવસ્થા સહિત અન્ય આનુંષાગિક વ્યવસ્થા અંગે અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તા.૧૦ મી ફેબ્રુઆરીના રોજ યોજનાર ઈ-લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર વિધાનસભા વિસ્તારમાં એરુ ચાર રસ્તા નવસારી કૃષિ યુનીવર્સીટી ખાતે ૬૮ ગામના ૩૫૦ આવાસો , ગણદેવી વિધાનસભા વિસ્તારમાં નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ચીખલી ખાતે ૫૫ ગામના ૬૦૩ આવાસો, વાંસદા વિધાનસભા વિસ્તારમાં પી.એચ.સી ગ્રાઉન્ડ ઘોડમાળ ખાતે ૧૧૬ ગામના ૧૮૫૬ આવાસો અને નવસારી વિધાનસભા વિસ્તારમાં ઓમ પાર્ટી પ્લોટ – મીરા નગર જમાલપોર ખાતે ૨૬ ગામના ૨૪૬ આવાસો મળી કુલ ૩૦૫૫ પ્રધાનમંત્રી આવાસોનું ઈ-લોકાર્પણ ધારાસભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા , વાંસદા પ્રાયોજના વહીવટદાર આનન્દુ સુરેશ , નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ ,અધિક નિવાસી કલેકટર કેતન જોષી , ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગરાજસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.