
નવસારી ખાતે બાયોમાસ પેલેટ અને બ્રીકવેટ અંગેની ગુણવત્તા અને જાગૃતિ પ્રોગ્રામ યોજાયો
- Local News
- March 15, 2024
- No Comment
નવસારી ખાતે સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભારતીય કૃષિ અનુસન્ધાન પરિષદ ભારત સરકાર તેમજ ઉર્જા અને પેટ્રોલિયમ વિભાગ ગુજરાત સરકારની સહાય તથા ગુજરાત બાયોમાસ બ્રીકવેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સહયોગથી દક્ષિણ-ગુજરાતના બાયોફ્યુલ મેન્યુફેક્ચરર્સ માટે એકદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ઉદ્ઘાટન મુખ્ય મહેમાનો કિશોરભાઈ પટેલ (કે. કે. બાયોફ્યુલ તથા વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત બાયોમાસ બ્રીકવેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન) અને પંકજભાઈ પરમાર (રિપ્રેઝન્ટેટિવ, દક્ષિણ-ગુજરાત બાયોમાસ બ્રીકવેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન) તથા સંસ્થાના નિયામક ડૉ. અનિલ કુમાર દુબે ના વરદ્હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. ત્રણેય મહાનુભાવો દ્વારા પ્રાસંગિક સંબોધન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 50 જેટલા બ્રીકવેટ મેન્યુફેકચરર્સ, વપરાશકર્તા તથા સ્પ્રેરીના વૈજ્ઞાનિકો ઉપરોકત કાર્યક્રમ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ બાયોમાસ પેલેટ્સ તથા બ્રીકવેટ્સની ગુણવત્તા સુધારા તથા ઉત્પાદન પ્રક્રિયાના આર્થિક પરિમાણો વિષે ઉપસ્થિત મેનુફેક્ચરર્સ અને વપરાશકર્તાઓને માહિતી આપવાનો હતો. આ અનુસન્ધાનમાં સંસ્થાના નિયામક તથા વૈજ્ઞાનિકો દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી. આવનારા સમયમાં લાગુ થનારા પેલેટ અને બ્રીકવેટ માટેના માનકો વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં ઉપસ્થિત મેન્યુકેચરર્સ દ્વારા હીટી આપવાંમાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાં અંદાજે 1,350 ટન બ્રીકવેટ્સ અને પેલેટ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. આટલા ઉત્પાદન થકી વાર્ષિક 600 કિલો ટન ખનિજ કાર્બન ડાયોકસાઇડને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. આ રીતે આ ઉદ્યોગ સાહસિકો દેશના નેટ ઝીરો એમિશન મિશનમાં એક મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. તદ્ઉપરાંત, 1,000 કિલો પ્રતિ કલાક ઉત્પાદન ક્ષમતા ધરાવતી એક મશીન સીધી તથા આડકતરી રીતે એક વર્ષમાં 3,000-5,000 માનવીય દિવસોનું રોજગાર ઉત્પન્ન કરે છે.
આ ચર્ચાના અંતે મેન્યુફેક્ચરર્સ દ્વારા આ ઉદ્યોગને સરળતા પૂર્વક ચલાવવા તથા વિકસિત કરવા અમુક પ્રસ્તાવ મુકવામાં આવ્યા હતા. જે રીતે આ ઉદ્યોગનો કાચોમાલ GST ફ્રી છે એ રીતે પેલેટ અને બ્રીકવેટને પણ તેમાં મુક્તિ આપવાંમાં આવે છે. તદુપરાંત સરકાર દ્વારા પ્રેરિત CBG ને લાગતી પોલિસી અંતર્ગત કાચોમાલ જેમ કે શેરડીના કૂચા વગેરે ત્યાં વધારે વપરાઈ રહ્યા છે. તથા CBG ને લગતા ઉદ્યોગોને જે રીતે સરકાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવાંમાં આવે છે, તે જ રીતે આ દિશામાં પણ યોગ્ય પોલિસી તથા યોજનાઓ બનાવવામાં આવે એ માટે પણ રજૂઆતો કરવામાં આવી હતી. આ અન્વયે સંસ્થા ધ્વારા આગળ યોગ્ય પ્લેટફોર્મ પર રાજય સરકારને રજૂઆત કરવા માટે બનતા પ્રયત્નો કરવા જણાવ્યું હતું