
આગામી ૦૭મી મેના રોજ અચુક મતદાન કરવા અપીલ કરતા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ
- Uncategorized
- May 2, 2024
- No Comment
પહેલી વખત મતદાન કરનારા મતદારો માટે આ અનુભવ દેશની લોકશાહી સાથે જોડાવાનો અને એક જાગૃત નાગરિક તરીકે દેશ માટે ફરજ નિભાવવાનો ખુબ જ અગત્યનો અવસર છે.: જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ
આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટે મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે નવસારી જિલ્લામાં આગામી ૦૭મી મેના રોજ અચુક મતદાન કરવા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, આગામી ૦૭મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે, આપણે સૌ આગામી ૦૭મી મે, મંગળવારના રોજ પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને દેશ માટે મતદાન કરવા જઇએ. તેમણે પહેલી વખત મતદાન કરતા તમામ મતદારોને ખાસ અપીલ કરી હતી કે, તેઓ પહેલી વખત મતદાન કરવાના છે ત્યારે આ અનુભવ આપણા દેશની લોકશાહી સાથે જોડાવાનો અને એક જાગૃત નાગરિક તરીકે દેશ માટે ફરજ નિભાવવાનો ખુબ જ અગત્યનો અવસર છે. આ સાથે તેમણે દરેક નાગરિકને પોતાના કુટુંબના તમામ સભ્યો અને શેરી ફળીયાના લોકો સાથે મળી આ લોકશાહીના અવસરમાં સહભાગી થવા જાહેર અનુરોધ કર્યો હતો.
અત્રે નોંધનિય છે,કે તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૫/૦૧/૨૦૨૪ દરમિયાન ૧૮-૧૯ વયજુથના કુલ- ૯૭૮૪ તેમજ ૨૦-૨૯ વયજુથના કુલ- ૫૧૮૧ એમ તમામ વયજુથના કુલ-૧૯,૮૯૭ મતદારો નવસારી જિલ્લામાં નવા નોંધાયેલ છે. નવા નોંધાયેલા મતદારો માટે ખાસ બાબત એ છે કે, ૧૫ માર્ચ ૨૦૨૪ સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યા છે. ભારત દેશ યુવાઓનો દેશ છે ત્યારે લોકશાહીના અવસરમાં યુવાઓની ભાગીદારી દેશના નિર્માણ માટે અગત્યની છે. જો કોઈ નવીન મતદારને પોતાનું EPIC કાર્ડ સરનામે કોઈ કારણોસર મળેલ ન હોય તો ઓનલાઈન ECI ની વેબસાઈટના માધ્યમથી https://voters.eci.gov.in/ પર જઈને પોતાનું e-EPIC ડાઉનલોડ કરી શકે છે. જેથી મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. વધુમાં જે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરી ન શકે તેવા મતદારોએ તેમની ઓળખ માટે ચૂંટણી પંચે નિયત કરેલ વૈકલ્પિક આધાર-પુરાવા રજૂ કરીને પણ મત આપી શકે છે.
૧૮-૧૯ વયજુથના ૯૭૮૪ તેમજ ૨૦-૨૯ વયજુથના ૫૧૮૧ એમ તમામ વયજુથના કુલ-૧૯,૮૯૭ મતદારો નવસારી જિલ્લામાં નવા નોંધાયેલ છે.