
લોકશાહીનાં મહાપર્વ સમાન ચૂંટણીના અવસરમાં મતદાન આપી ભાગીદાર બનવા અપીલ કરતા જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે
- Local News
- May 5, 2024
- No Comment
ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ આગામી તા. ૦૭/૦૫/૨૦૨૪ ને મંગળવારનાં રોજ યોજાનાર છે. મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા જાહેર જનતાને મતદાન માટે અપીલ કરાઇ હતી.
કલેક્ટરે અપીલ કરતા જણાવ્યું હતું કે,આગામી ૦૭મી મેના રોજ મતદાનના દિવસે આપ સૌ સંબંધિત મતદાન મથકે પધારી લોકશાહીનાં મહાપર્વ સમાન આ અવસરમાં મતદાન કરી જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવો. સવિશેષ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ નવસારીની તમામ મહિલા મતદારો પણ લોકશાહીના મહાપર્વમાં પોતાનો અમુલ્ય મત આપે તે માટે આહવાન કર્યું હતું.
તમામ મતદારોને જાગૃત કરતા ઉમેર્યું હતું કે, મતદાન કરવા માટે મતદાર કાર્ડ સિવાય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ અન્ય ઓળખ પુરાવા લઈ જઈને પણ આપ મતદાન કરી શકો છો. વિશેષમાં એક બાબતનું ધ્યાન દોરતા કહ્યું હતું કે, કોઇપણ મતદાર મતદાન મથકની અંદર પોતાનો મોબાઈલ ન લઇ જાય એ માટે તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.પ્રથમ વાર હોય કે ૧૦૦ વર્ષથી ઉપરના હોય તમામ મતદારો લોકશાહીના મહોત્સવમાં મત આપી અને “૧૦ મિનીટ દેશ માટે” ફાળવી મતદાન કરવા જાહેર અપીલ કરી હતી.