નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં જિલ્લાની ચૂંટણી સંબંધિત તૈયારીઓ બાબતે પત્રકાર પરિષદ યોજાઈ
- Local News
- May 6, 2024
- No Comment
નવસારીના નાગરિકોને લોકશાહીના મહોત્સવમાં ભાગીદાર બની અમુલ્ય મતદાન કરવા આહવાન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાનમાં લઈને નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે નવસારી જિલ્લાની ચૂંટણી સંબંધિત તૈયારીઓ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.

નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં તા.૦૭/૦૫/૨૦૨૪, મંગળવાર ના રોજ ચૂંટણી યોજાનાર છે.જેને અનુલક્ષીને આજ રોજ તમામ તૈયારીઓ સાથે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. તેમણે ચૂંટણી સંદર્ભે મતદારોની આંકડાકિય વિગત આપી હતી.આ સાથે જિલ્લાના આદર્શ મતદાન મથક,દિવ્યાંગ મતદાન મથક,યુવા મતદાન મથક તથા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકની મુલાકાત લેવા પત્રકારોને અનુરોધ કર્યો હતો.

વધુ વિગત આપતા તેમણે ઉમેર્યું હતું કે, નવસારી જિલ્લાના તમામ મતદાન મથકોએ પીવાનું પાણી,શૌચાલય,વીજળી અને રેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી છે.આ સાથે હીટવેવને ધ્યાને રાખી મતદાન મથક સ્થળોએ સ્ટાફ અને મતદારોના સ્વાસ્થયને લગતી કાળજી માટે આરોગ્ય વિભાગના સંકલન સાથે હેલ્થ ટીમો મુક્વામાં આવશે.
ઉપરાંત પીડબલ્યુડી મતદારો માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરીયાત મુજબના મતદાન મથકો પર વ્હીલચેર,પ્રોપર સાઈન બોર્ડ, પોસ્ટર વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રવણ ક્ષતિ કે વાણી અંગે વિકલાંગતા ધરાવતા મતદારોને કોમ્યુનિકેશન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સાઈન લેંગ્વેજના જાણકાર અનિતાબેન મહેશભાઈ આહીર મો. ૯૭૨૪૦૭૩૦૧૨ તથા જાગૃતિબેન દીપકભાઈ આહીર મો. ૯૦૯૯૮૭૦૯૪૬ નિમણૂંક કરવામાં આવી છે. જેઓ દિવ્યાંગ મતદારોને મદદરૂપ થશે.

આ ઉપરાંત ૬૩ સંવેદનશીલ મતદાન મથકો, જ્યારે ૫૫૯ મતદાન મથકો પર વેબકાસ્ટીંગ કરાશે, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદાન મથક, સ્ટ્રોંગરૂમ, પોલીંગસ્ટાફ, પોલીસ બંદોબસ્ત, કાયદો અને વ્યવસ્થા તથા હેલ્પલાઇન નંબર જેવી ખાસ બાબતો અંગે સૌને અવગત કર્યા હતા. જિલ્લામાં કુલ: ૫,૩૯,૯૨૫ પુરુષ, ૫,૪૫,૪૪૬ સ્ત્રી, ૩૫ અન્ય મળી કુલ: ૧૦,૮૫,૪૦૬ મતદારો નોંધાયા છે.

મિડિયા કર્મીઓના માધ્યમથી નાગરિકોને સવારે ૦૭ વાગ્યાથી લઇ સાંજે ૦૬ વાગ્યા સુધીમાં અચુક મતદાન કરવા અપીલ કરી હતી. અંતે તેમણે ચૂંટણી પ્રક્રિયામાં મતદાન વધારવા નાગરિકોને જાગૃત કરવા પત્રકારોને તેઓના પ્રચાર માધ્યમનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, નાયબ કલેકટર ઓમકાર શીંદે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયંકાબેન પટેલ સહિત નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.