નવસારી જિલ્લાના માનવ કલ્યાણ ટ્રસ્ટ સંસ્થા વિજલપોરના મૂક-બધિર બાળકોએ સ્પે. ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાએ ૩૯ મેડલો જીતી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી
- Sports
- June 19, 2024
- No Comment
રમશે ગુજરાત….. જીતશે ગુજરાત સ્પે. ખેલ મહાકુંભ ૨.૦ બધિર દિવ્યાંગ બાળકો માટે રાજ્યકક્ષાના એથ્લેટીક્સ સ્પર્ધાઓનું આયોજન સ્પોટર્સ કોમ્પલેક્ષ, નડિયાદ ખાતે ઓલ ગુજરાત સ્પોટર્સ કાઉન્સીલ ઓફ ધી ડેફના નેજા હેઠળ તા. ૧૫ મી જુન થી ૧૭મી જુન-૨૦૨૪ દરમ્યાન કરવામાં આવ્યુ હતું. આ એથ્લેટીક્સની સ્પર્ધાઓમાં ૧૦૦ મી. દોડ, ૨૦૦ મી. દોડ, ૪૦૦ મી. દોડ, ૮૦૦ મી. દોડ, ૪×૧૦૦ મી. રીલે દોડ, ઊંચીકુદ, લાંબીકુદ, ચક્રફેંક, ગોળાફેંક અને બરછીફેંક જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી.
આ સ્પર્ધાઓમાં સમગ્ર ગુજરાતની સ્પે.બાળકોના ક્ષેત્રે કાર્યરત ૧૧ જેટલી સંસ્થાઓના ૪૫૫ જેટલા મૂક-બધિર બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં સ્વ.મહેશભાઈ કોઠારીની સંસ્થા માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત પ્ર. સ. કોઠારી બહેરા-મૂંગા વિવિધલક્ષી વિદ્યાલય અને મ. સ. કોઠારી મૂક-બધિર મા. અને ઉ. મા. શાળા, વિજલપોર, નવસારીના ૫૪ બાળકોએ ભાગ લીધો હતો. બાળકોના ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર તથા ૯ બ્રોન્ઝ મળી કુલ – ૩૯ મેડલો જીતી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી શાળા પરિવાર અને નવસારી જિલ્લાને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે.
આ સ્પર્ધાઓ દરમિયાન શાળાના ઈ. આચાર્ય દિપક ટંડેલ, મદદનિશ શિક્ષક રાકેશ નાયકા, રાજેન્દ્ર પટેલ, કિશોર તલાવિયા, રીતેશ પટેલ, બલદેવ પટેલ, શીલા પટેલ, અનિતા નાયક, કામિનિ રાઠોડ તથા સાધના પટેલે મેદાન પર હાજર રહી બાળકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
બાળકોએ મેળવેલ આ અદ્વિતીય સિદ્ધિ માટે સંસ્થાના ટ્રસ્ટીગણ, “મમતા મંદિર” પરિવાર તથા “પ્રજ્ઞા મંદિર” પરિવાર સહિત સમગ્ર નવસારી જિલ્લા તંત્રએ બાળકોને અભિનંદન આપ્યા હતા.
સ્પે. ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાએ એથ્લેટીક્સ સ્પર્ધાઓમાં સ્વ.મહેશભાઈ કોઠારીની સંસ્થા માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારીના “મમતા મંદિર”ના મૂક-બધિર બાળકોએ ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર તથા ૯ બ્રોન્ઝ મળી ૩૯ મેડલો જીતી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યુ