
“રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન પ્રોજેક્ટ” અંતર્ગત ખેતીવાડી વિભાગ નવસારી દ્વારા નવસારી તાલુકાનો બિયારણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
- Local News
- June 19, 2024
- No Comment
હાલનાં સમયમાં રાજ્યનાં ખેડૂતો દ્વારા વધુ ઉત્પાદન મેળવવા માટે આડેધડ ખાતર અને દવાઓનાં વપરાશને લીધે જમીનની ઉત્પાદકતા અને ગુણવત્તામાં ખુબ ઘટાડો થવા પામેલ છે. જેના ઉપાયરૂપે ખાતર અને દવાઓનો વિવેકપુર્વક ઉપયોગ કરવો જરૂરી છે. આ ઉપરાંત ઝેરી ખાતરો અને દવાઓનાં ઉપયોગથી મનુષ્યનાં સ્વાસ્થ્ય ઉપર પણ ખતરનાક અસરો થાય છે. આ અસરોને નિવારવા તેમજ રસાયણમુક્ત ખાતરો અને દવા સમયસર મળી રહે તથા તેનાં ઉપયોગથી જમીનની ગુણવત્તા સુધારવા ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, નવસારી દ્વારા “રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન પ્રોજેક્ટ” અમલમાં છે. જે અંતર્ગત રસાયણમુક્ત ખેતી કરવા માંગતા ખેડુતોને ઉચ્ચ ગુણવત્તાનું બિયારણ તેમજ ખાતર- દવા વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે.
જે અંતર્ગત આજરોજ નવસારી તાલુકાનો “રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન પ્રોજેક્ટ” હેઠળ ડાંગર, ફળપાકો અને શાકભાજી પાકો માટે વિનામુલ્યે બિયારણ કીટ વિતરણ કાર્યક્ર્મ નવસારી તાલુકામાં આવેલ નાગધરા વિવિધ કાર્યકારી સહકારી મંડળી, નાગધરા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયતનાં કારોબારી અધ્યક્ષ અરવિંદભાઇ પાઠક, જિલ્લા પંચાયત સભ્ય દર્શનાબેન પટેલ, નવસારી તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિભાબેન આહિર, મદદનીશ ખેતી નિયામક (પે.વિ.), ચીખલી ચિંતનભાઇ દેસાઇ, નાગધરા મંડળીનાં મંત્રી બળદેવભાઇ પટેલ તેમજ ખેતીવાડી ખાતાનાં કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન થકી કૃષિ ખાતાની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતિ આપવામાં આવી હતી. આ સાથે પદાધિકારીઓ તથા અધિકારીઓ ના હસ્તે ખેડૂતોને કિટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમા ૨૨૬ ખેડૂતોને રસાયણમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાનું બિયારણ કીટનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
ડાંગર, ફળપાકો અને શાકભાજી પાકો માટે વિનામુલ્યે બિયારણ કીટ વિતરણ કાર્યક્ર્મ વિવિધ કાર્યકારી સહકારી મંડળી નાગધરા ખાતે યોજાયો: ૨૨૬ ખેડૂતોને રસાયણમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાનું બિયારણ કીટનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું