योगस्थः कुरु कर्माणि..: ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટેની યોગ થીમ પર ઉજવાયો
- Local News
- June 21, 2024
- No Comment
જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારીના રામજી મંદિર ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી: ભારતના ઋષિ-મુનિઓની માનવજાતને ભેટ સમાન યોગવિદ્યાને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે: પરેશભાઈ દેસાઈ
સમગ્ર વિશ્વ માટે ભારતીય સંસ્કૃતિની આગવી દેન એવા યોગને યુનો દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળતા વિશ્વભરમાં દર વર્ષે તા.૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
ત્યારે ‘ રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો યોગ દિવસની ભવ્ય ઉજવણી નવસારીના રામજી મંદિરના પટાંગણમાં કરવામાં આવી હતી. અહીં યોગપ્રેમી,યુવાનો,મહિલાઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓઓએ તથા અધિકારીઓએ ઉત્સાહભેર જોડાઈને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.
योगस्थः कुरु कर्माणि..એટલે સ્વયં અને સમાજ માટે યોગ ની થીમ પર આયોજિત ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગદિન ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, યોગને વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવવામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સિંહફાળો રહ્યો છે. માનવ કલ્યાણના ઉદ્દાત ધ્યેય સાથે ભારતના ઋષિ-મુનિઓની માનવજાતને ભેટ સમાન યોગવિદ્યાને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. ‘યોગથી વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે એમ જણાવી પ્રમુખશ્રીએ યોગને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. આજે સમગ્ર વિશ્વ શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે યોગદિનની ઉજવણી કરી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

યોગ દિવસના અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રીનગરમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમથી લોકોને યોગ પ્રત્યે પ્રોત્સાહિત કરી તેના વિશેષ લાભોની જાણકારી આપી હતી, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના નડાબેટ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં યોગાભ્યાસ કરીને નાગરિકોને નિરોગી રહેવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે,જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, વાંસદા પ્રયોજના અધિકારી આનન્દુ સુરેશ , નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ,પ્રોબેશનર આઈ.એ.એસ આર વૈશાલી, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,નવસારી પ્રાંત અધિકારી ડૉ જનમ ઠાકોર, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, પોલીસ અધિકારીઓ,યોગશિક્ષકો અને યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેકટર ક્ષિપ્રા આગ્રે સહિતના મહાનુભાવો તથા યોગપ્રેમીઓએ ઉત્સાહભેર જોડાઈને સામૂહિક યોગાભ્યાસ કર્યો