
રોટરી ક્લબ ગણદેવી દ્વારા ત્રણ શાળાઓના ભૂલકાઓ માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટોયલેટ અર્પણ કરવામાં આવ્યા
- Local News
- July 6, 2024
- No Comment
વૈશ્વિક સેવા સંસ્થા રોટરી ઇન્ટરનેશનલના નવા વર્ષના આરંભે એટલે કે પહેલી જુલાઈને સોમવારના રોજ રોટરી ગણદેવી દ્વારા તાલુકાની ત્રણ શાળાઓના ભૂલકાઓને શુદ્ધ પીવાના પાણી તેમજ હાઈજેનિક ટોયલેટ બ્લોકની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
રોટરી ગણદેવી વર્ષ 2024-25 ને એના રજતજયંતિ વર્ષ તરીકે ઉજવી રહી છે. આ તબક્કે રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 ના ગવર્નર નિયુક્ત નિલેશ શાહ તથા એમના અર્ધાંગિની શ્રીમતી શ્રુતિ શાહે ખાસ ઉપસ્થિત રહી આ પ્રસંગને શોભાયમાન બનાવ્યો હતો.
અમલસાડ વિભાગ કેળવણી મંડળ સંચાલિત અંગ્રેજી મીડીયમ સ્કુલ તેમજ અસ્પી કન્યાવિદ્યાલય આંતલિયા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, સરીસ્ટેશન કન્યાશાળા અમલસાડ ખાતે ટોયલેટ બ્લોક તથા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જરૂર હોવાથી એની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ માટે રત્નમણી મેટલ્સ લિમિટેડ અમદાવાદ દ્વારા સી.એસ.આર. ફંડ આપવામાં આવ્યું છે, જ્યારે ટોયલેટ પ્રોજેક્ટ માટે મૂળ ધમડાછા તથા હાલ મુંબઈ ખાતે સ્થિત અતુલભાઈ ધીરુભાઈ દેસાઈ દ્વારા અનુદાન આપવામાં આવ્યું છે. આ તબક્કે રોટરી ગણદેવી દ્વારા તમામ સુજ્ઞ દાતાઓનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.