નવસારી જિલ્લાના વાંસદા ખાતે રાજયકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવાયો
- Local News
- August 9, 2024
- No Comment
દેશના વિકાસમાં નવસારી જિલ્લાના આદિવાસી ભાઈઓ-બહેનો અગ્ર હરોળમાં રહે:આજે આદિવાસીના દિકરા દિકરીઓ ફક્ત ખેતી કે પશુપાલન સુધી સિમિત ન રહેતા તેઓની સિધ્ધિ આસમાને પહોચી છે:મંત્રી મુકેશભાઇ પટેલ
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિ વર્ષ ૯મી ઓગસ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા ૯મી ઓગષ્ટના રોજ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવે છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોટી ભમતી ગામના એગ્રીમોલ ખાતે રાજયકક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે દરેક વનબંધુ પરિવાર સુખી, શિક્ષિત, સ્વસ્થ અને આર્થિક રીતે સધ્ધર રહે. આ ધ્યેયને અનુલક્ષીને તેમણે આદિવાસીઓના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમા મુકી હતી. તેમના કાર્યને આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે જનહિતલક્ષી નિર્ણયો કર્યા છે.
આદિવાસી સમાજના ઉત્થાન કરવાનું બીડું વર્તમાન સરકારે બખુબી ઉપાડ્યુ છે ત્યારે આજે આદિવાસીના દિકરા દિકરીઓ ફક્ત ખેતી કે પશુપાલન સુધી સિમિત ન રહેતા તેઓની સિધ્ધિ આસમાને પહોચી છે. આજે આદિવાસી દિકરા દિકરીઓ પાયલેટ બન્યા છે, આદિવાસી દિકરી સરીતા ગાયકવાડે સમગ્ર દેશમાં આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે.
મંત્રીએ વધુમાં ભગવાન બિરસા મુંડાને પણ વંદન કરી દરેક આદિવાસી પગભર થાય તે માટે સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ આદર્શ નિવાસી શાળા, કન્યા શાળા, કૃષિલક્ષી યોજનાઓ, ન્યુ ગુજરાત પેટર્ન યોજના, બોર્ડર વિલેજ ઉત્કર્ષ યોજના, હળપતિ છ પાયાની યોજના, આદિમજુથ સર્વાંગી ઉત્કર્ષ યોજના સહિત વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી સૌને મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
અંતે મંત્રીએ દેશના વિકાસમાં નવસારી જિલ્લાના આદિવાસી ભાઈઓ-બહેનો અગ્ર હરોળમાં રહે અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌના વિશ્વાસ’ના મંત્ર સાથે આપણે સૌ આગળ સાથે મળી આગળ વધીએ એવી જ શુભકામનાઓ સાથે “વિશ્વ આદિવાસી દિવસ”ની શુભેચ્છાઓ પાઠવી સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને “એક પેડ માઁ કે નામ” અભિયાનમાં સૌને વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી પ્રત્યે જાગૃત બનવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇએ પ્રાસંગિક ઉદ્બોધન થકી સૌને આદિવાસી સમાજ દ્વારા આઝાદીની જંગમાં આપવામાં આવેલ મહત્વની ભુમિકા, આદિવાસી સમાજની સંસ્કૃતિ, કલા અને પરંપરાઓ અંગે જાણકારી આપી આદિવાસી તરીકે સૌને ગર્વ લેવા અપીલ કરી હતી. તેમણે વર્તમાન સરકારના પ્રયત્નનો થકી આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ કર્યો છે એમ જણાવી સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના અનેક વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાયનું વિતરણ, સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષ્રેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોને પ્રસસ્તી પત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ૧.૨૪૧૧ કરોડના ૨૮ કામોનું ખાતમુહૂર્ત અને ૧.૫૭૩૫ કરોડના ૨૫ કામોનું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું સાબરકાંઠા જિલ્લાથી જીવંત પ્રસારણ અને આદિવાસી વિકાસ સંલગ્ન યોજનાકિય માહિતી આપતી દસ્તાવેજી ફિલ્મ સૌએ નિહાળી હતી. નવસારી અને વાંસદાના સ્થાનિક કલાકારોએ વિવિધ આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ઘ કર્યા હતા.
કાર્યક્રમમાં પ્રાયોજના વહિવટદાર વાંસદા દ્વારા સ્વાગત પ્રવચન કરી પ્રાયોજના કચેરી અંતર્ગત વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી સૌને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ, સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ૧.૨૪૧૧ કરોડના ૨૮ કામોનું ખાતમુહૂર્ત અને ૧.૫૭૩૫ કરોડના ૨૫ કામોનું લોકાર્પણ કરાયું