
આપણો તિરંગો, આપણું ગૌરવ:નવસારી જિલ્લાના બીલીમોરા નગરમાં ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ તથા સાંસ્કૃતિક વેશભુષા સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી
- Local News
- August 12, 2024
- No Comment
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા”નું રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે. જેને અનુલક્ષીને નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકામાં વી.એસ.પટેલ કોલેજ ખાતે યોજાયેલ ‘ હર ઘર તિરંગા’ યાત્રામાં નાગરિકો સહિત બાળકો જોડાઈને નગરવાસીઓને દેશભક્તિના એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યાં હતાં. જેમાં આ ભવ્ય તિરંગા યાત્રામાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે જોડાઈને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકો દ્વારા ૭૫ મીટર લાંબા તિરંગાની યાત્રા, ભારતમાતા અને સ્વતંત્રતા સેનાનીઓની વેશભુષા ધારણ કરેલા બાળકો, પોલીસકર્મી તથા NCCના વિધાર્થીઓ દ્વારા પરેડ આખા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
“હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા બીલીમોરા નગરપાલિકાના બાળકો-મહિલાઓ, યુવાનો સહિત દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોએ ઉત્સાહ બતાવ્યો છે. ત્યારે સૌ નગરવાસીઓ જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. જેનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના જાગૃત કરવાનો છે.
આ તિરંગા યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ્લતા, ચીખલી પ્રાંત અધિકારીશ્રી મીતેશ પટેલ, ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, બીલીમોરા નગરપાલિકા ચીફ ઓફિસર, બીલીમોરાના પી.આઈ તથા નગરપાલિકાના કર્મચારી અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.